વસુધા/અંતરોનું અંતર
બે અંતરોની વચમાંહી અંતર
નિર્વાહ્ય છે કેટલું?...
તે દૂરનું દૂર, છતાં ય કેમ રે
નજીકથી એ બનિયું નજીક છે?
હું હાથ લંબાવી ધકેલું એનેઃ
‘ન આવ તું, આવ ન આમ દોડી,
શાને ભુંડા તે અહીં દૃષ્ટિ જોડી?’
અને બિચારું અટકી તહીં પડી,
આંસુવિહોણું પડતું તહીં રડી.
પાછું ફરે એ હરણું હણાયેલું, ૧૦
ને એહને રક્ત વિરક્ત પૃથ્વી
થતી લહી ના મન ર્હે કહ્યાગરું,
ભુજા પ્રલંબાવી પુકાર ફેંકેઃ
‘રે આવ પાછું. ગણિતી સમાજના
છો માપ કાઢે તસુ ફૂટ વારનાં
બે અંતરોની વચ જેહ રાખવાં.
‘રાખી તને જોજન અંતરે ખડી,
ટેકા લઈ દેઈ અનેક ખ્યાલના.
શું કામનું અંતર જે ન કોઈનાં
સાંધી શકે અંતર સાધવા સમાં? ૨૦
‘મારે નથી અંતર રાખવું જરી,
હતાશ હૈયાની સુઝેલ આંખડી!
લે તું હસી આંખ ઉઠાવી મોજથી.
‘તારાં દ્રવંતાં દૃગનીરથી જે
સ્વપ્ને અને જાગૃતિમાં સીંચાતું,
મહા દુરારાધ્ય, દુરૂહ દુર્ગ શું
ઘસાતું આજે કણશેષ જે રહ્યું,
છેદાતું આજે તસુશેષ જે રહ્યું,
રહ્યું સહ્યું અંતર તે ય જા હરી.’