કાવ્યમંગલા/જુદાઈ

From Ekatra Wiki
Revision as of 09:33, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જુદાઈ|}} <poem> તારે ને મારે આવડી જુદાઈ, ::: આવડી જુદાઈ, તું આગળ, હું પાછળ, ભાઈ, એક માના બે દીકરા આપણ, ::: દીકરા આપણ, તું ભણેલ, હું ભૂલેલ, ભાઈ. ગગનમાં તારે ઘુમ્મટ રહેવા, ::: ઘુમ્મટ રહેવા,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જુદાઈ

તારે ને મારે આવડી જુદાઈ,
આવડી જુદાઈ, તું આગળ, હું પાછળ, ભાઈ,
એક માના બે દીકરા આપણ,
દીકરા આપણ, તું ભણેલ, હું ભૂલેલ, ભાઈ.

ગગનમાં તારે ઘુમ્મટ રહેવા,
ઘુમ્મટ રહેવા, દેહડી મારે નાની, ભાઈ,
અખૂટ આકાશ ખેલવા તારે,
ખેલવા તારે, ચોખૂંટ મારે ભોમકા, ભાઈ.

સૂરજસોમની આંખડી તારે,
આંખડી તારે, ચામડે મારી આંખ બંધાઈ;
અમૃતના નિત ઓડકારા તારે,
ઓડકારા તારે, અન્નપાણી મારે લેવાં, ભાઈ.

થાક નહિ તારે, નીંદરા ના રે,
નીંદરા ના રે, હાંફવા ઘોરવાં મારે, ભાઈ,
આલમના અખત્યાર તારે ઘેર,
ભાઈ તારે ઘેર, ચાર તસુ મારે ભોંય ના, ભાઈ.

અલખનાં તારે ઓઢણપોઢણ,
ઓઢણપોઢણ, માયાની ચાદર મારે, ભાઈ,
જોગમાયાના નાથ નિરંજન,
નાથ નિરંજન, ક્યાંલગ રાખીશ આમ જુદાઈ?

(૨૭ જૂન, ૧૯૩૨)