અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં
Revision as of 16:23, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અદીઠાં બ્રહ્માંડો તરફ ક્ષિતિ આ ઊપડી જતી; અને આવી રીતે ઊપડી જવું,...")
અદીઠાં બ્રહ્માંડો તરફ ક્ષિતિ આ ઊપડી જતી;
અને આવી રીતે ઊપડી જવું, આ આગળ ગતિ,
સદા આગે આગે અવિરત અજાણ્યા ધ્રુવ પ્રતિ;
અરે, એથી સ્તો આ ધરતી નિત પુષ્પો ખીલવતી.
અરે, એથી સ્તો આ ધરતી પરની જીવનકૃતિ
કળી પેઠે ખૂલે દલ દલ કરી પૂર્ણ કુસુમે,
ગતિ છે તો છંદોલય-નરતને ભૂ રૂમઝૂમે,
અપૂર્ણાંવસ્થા, તો ગતિ; અટકવું તો ઉપરતિ;
ગતિ આ આકાશી ચિતિ મહીં, નવાં સાહસ ભણી,
નવા દ્યૌસંઘર્ષો થકી નવલ સંવાદ સુષમા —
ભણી; જીવી લેવું જીવન મળ્યું ને પૂર્ણપણમાં;
બધુંયે સ્વીકારી; શુભ-અશુભ; ના કૈં અવગણી;
ધરાપે સાતેયે વરસ ખીલ્યું તે મેઘધનુષ
ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ!
(સમસ્ત કવિતા, પૃ. ૭૩૫-૭૩૬)