અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની
Revision as of 16:54, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલ...")
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું…
વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
ર્હૈ હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે...
પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.
હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.
પ્રાણમાં પમરી અાવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)