ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શીલવતી-રાસ-શીલરક્ષાપ્રકાશ-રાસ’

From Ekatra Wiki
Revision as of 16:48, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘શીલવતી-રાસ/શીલરક્ષાપ્રકાશ-રાસ’'''</span> [ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, વૈશાખ સુદ ૩] : તિલકવિજ્યશિષ્ય નેમવિજ્યની ૬ ખંડ ને ૮૪ ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘શીલવતી-રાસ/શીલરક્ષાપ્રકાશ-રાસ’ [ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, વૈશાખ સુદ ૩] : તિલકવિજ્યશિષ્ય નેમવિજ્યની ૬ ખંડ ને ૮૪ ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ.) છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિંહરથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવયોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના ચારિત્ર્ય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે ને અનેક આપત્તિઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે બંને દીક્ષા લે છે. કરુણ, વીર ને અદ્ભુતરસભરી આ કથાની વર્ણનશૈલી પણ રસપ્રદ છે. કથા પ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી કથાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કથા ને વર્ણન બંનેની દૃષ્ટિએ કંઈક અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવાં છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ કથામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગકથન ને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીધી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. [ર.સો.]