ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શૃંગારમંજરી’
‘શૃંગારમંજરી’ [ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા, ચોપાઈ, તોટક, સવૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ(મુ.)માં શીલવતીનું ચરિત્ર વર્ણવાયું છે. પશુપંખીની બોલી સમજતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને તેનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવાં જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. શીલવતીને ઘરે પાછી લાવી અજિતસેનનો વહેમ પણ નિર્મુળ કરે છે. રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો શીલવતીની મદદથી આપીને મુખ્ય પ્રધાન બનેલા અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થાય છે. શીલવતીએ આપેલા તેના શીલના પ્રતીક રૂપ અમ્લાન પદ્મને જોઈને, આ વાત પર વિશ્વાસ ન બેસતાં રાજા પોતાના ૪ પ્રધાનોને શીલવતીનો શીલભંગ કરવા મોકલે છે. શીલવતી યુક્તિપૂર્વક એ ચારેયને કેદ કરે છે અને યુદ્ધમાં વિજયી બનીને પાછા ફરેલા રાજાને સોંપી દે છે. રાજા શીલવતીનું બહુમાન કરે છે. દૃષ્ટાંતકથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ઘ બની છે તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે. મંગલશ્લોકમાં સરસ્વતીના સૌન્દર્યનું પણ નવેક કડી સુધી આલંકારિક વર્ણન કર્યા વિના કવિ રહી શક્યા નથી. કૃતિમાં શૃંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શૃંગારમંજરી’ એ નામ સહેતુક જણાય છે, કેમ કે એમાં ૫૦૦-૭૦૦ કડીઓ રોકતું શૃંગારવર્ણન આવે છે તેમ જ ઘણાંબધાં સ્નેહવિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગશૃંગારના નિરૂપણમાં વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહનિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, પનિહાં, અણખિયાં તથા પત્રલેખન એવી ભાવચરિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂક્યા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની કૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દૃષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિક શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી. [ર.ર.દ.]