ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સમુદ્ર-વહાણ-સંવાદ સમુદ્ર-વહાણ-વિવાદ-રાસ’

From Ekatra Wiki
Revision as of 09:16, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સમુદ્ર-વહાણ સંવાદ/સમુદ્ર-વહાણ વિવાદ રાસ’'''</span> [ઈ.૧૬૬૧] યશોવિજય(ઉપાધ્યાય)ની, દેશીઓ અને દુહાના બંધવાળી ૨૮૬ કડીઓની આ કૃતિ રૂપકાત્મક સંવાદ-કાવ્યોની મધ્યકાલીન કાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સમુદ્ર-વહાણ સંવાદ/સમુદ્ર-વહાણ વિવાદ રાસ’ [ઈ.૧૬૬૧] યશોવિજય(ઉપાધ્યાય)ની, દેશીઓ અને દુહાના બંધવાળી ૨૮૬ કડીઓની આ કૃતિ રૂપકાત્મક સંવાદ-કાવ્યોની મધ્યકાલીન કાવ્યપરંપરામાં એક વિલક્ષણ કાવ્યરચના છે. ન્યાય, મીમાંસા આદિના અભ્યાસી અને ‘ન્યાયવિશારદ’ ગણાયેલા આ કવિએ પોતાની વિદ્વત્તા અને તર્કશક્તિ યોજીને એક હળવું, વિનોદ-કટાક્ષભર્યા સંવાદોવાળું સર્વજનસુલભ, ઘણું રસપ્રદ કાવ્ય રચ્યું છે. કાવ્યનાં બે પ્રયોજનો-‘મત કરો કોઈ ગુમાન’ એવો ઉપદેશ તથા “સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંતે સહકાર” એવો વિસ્મય-આનંદ - સરસ રીતે ગુંથાયાં છે. સમુદ્ર અતિશય ગર્વ કરે છે ને એ અભિમાન કેવું દાંભિક છે એ હળવી પણ સચોટ દલીલોથી વહાણ બતાવે છે એમાં કવિની શાસ્ત્રોની ને વ્યવહારની જાણકારી અને રસપ્રદ અભિવ્યક્તિ નોંધપાત્ર છે. કવિની મર્મશક્તિ ઉપરાંત એમની વર્ણસૂઝ ને અલંકરણશક્તિ પણ રચનાને કાવ્યનું સૌંદર્ય બક્ષે છે. સમુદ્રની અકાટ્ય લાગતી દલીલોની સામે વહાણ સવાઈ દલીલો કરે છે એ ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવું પણ લાગે છે પરંતુ કવિની તર્ક પકડ અને કલ્પનાશીલતા એકસાથે પ્રયોજાયાં હોવાથી વાચકનું વિસ્મય સતત જળવાઈ રહે છે.વિદ્વત્તાને લોકગમ્ય સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ આ રસાળ સંવાદકાવ્ય કરાવે છે. એ રીતે આ લાક્ષણિક કાવ્ય પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે. [ર.સો.]