ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સ્થૂલિભદ્ર-એકવીસો’

Revision as of 08:45, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સ્થૂલિભદ્ર-એકવીસો’'''</span> [ઈ.૧૪૯૭/સં.૧૫૫૩, આસો વદ ૩૦] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૮ પંક્તિની (જેમાં પહેલી ૪ પંક્તિ દેશીની અને બીજી ચાર પંક્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘સ્થૂલિભદ્ર-એકવીસો’ [ઈ.૧૪૯૭/સં.૧૫૫૩, આસો વદ ૩૦] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૮ પંક્તિની (જેમાં પહેલી ૪ પંક્તિ દેશીની અને બીજી ચાર પંક્તિ હરિગીતિકા છંદની) ૧ એવી ૨૧ કડીની આ કૃતિ(મુ.)માં સ્થૂલિભદ્ર દીક્ષા લીધા પછી ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ ગાળવા માટે કોશા ગણિકાને ત્યાં આવે છે એ જૈન સાહિત્યમાં જાણીતો પ્રસંગ નિરૂપાયો છે. વર્ણન અને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં અંતરયમકથી ૪-૪ પંક્તિના બન્ને શ્લોકનો બનતો સ્વતંત્ર ઘટક તથા કોશાના અનુપ્રાસયુક્ત સૌંદર્ય-પ્રસાધનનાં વર્ણનો કવિનાં ભાષાસામર્થ્ય અને સંકલનાશક્તિનાં પરિચાયક છે. એ રીતે કાવ્યમાં પ્રોયજાયેલાં દૃષ્ટાંતો વક્તવ્યને ધારદાર બનાવે છે. જેમ કે ઉત્તમ ભોજન છોડી ઘેરઘેર ભિક્ષા માગતા સ્થૂલિભદ્રને કોશા કહે છે કે તમે સ્વચ્છ જળ પીવાનું છોડી મેલું ને ઊનું જળ શા માટે પીઓ છો? અથવા દેહકષ્ટ ભોગવી મોક્ષ મેળવવાની વાત કેટલી બેહૂદી છે તે સમજાવવા કહે છે કે નખ વડે ક્યારેય મોટું વટવૃક્ષ પાડી શકાય ખરું?[જ.ગા.]