સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/પછી
Revision as of 05:34, 23 September 2022 by KhyatiJoshi (talk | contribs)
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન,
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર —
ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન!
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન!
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
[‘તમે’ પુસ્તક]