અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ફોરમ
Revision as of 05:24, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ફૂલ તો એની {{space}}{{space}}ફોરમ ઢાળી રાજી. {{space}}વાયરો ક્યાં જઈ ગંધ વખા...")
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી : ફૂલ.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
કોઈનું નહીં કાજી : ફૂલ.
એનું નિજના રંગમાં રાતું.
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મ્હેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
(સૂરજમુખી, પૃ. ૬૫)