સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ભાષાંતરના ગુણ

From Ekatra Wiki
Revision as of 12:23, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ : એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું હોય, એવું સહજ અને સરળ હોવું જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોય, તે ભાષાના રૂઢિપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે, એવું તે ન હોવું જોઈએ. ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય, એવી એ કૃતિ લાગવી જોઈએ. આથી સ્વતંત્ર પુસ્તક કરતાં ભાષાંતર કરવાનું કામ હંમેશાં સહેલું નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર કરવું ન જોઈએ. ભાષાંતર કરવામાં જુદી જુદી જાતોનો વિવેક કરવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય. કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય. કેટલાંક પુસ્તકનાં ભાષાંતર સ્વસમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષામાં ઉત્કૃષ્ટ ગણાતાં હોય છતાં, પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી, તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.