સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/હું તો અલ્પપ્રાણી છું
મને ‘મહાત્મા’ શબ્દની બદબો આવે છે. ‘મહાત્મા’ને નામે અનેક કૂડાં કામ થયાં છે. આશ્રમમાં સૌને આજ્ઞા છે કે તેઓ ‘મહાત્મા’ શબ્દ ન વાપરે; કોઈને લખતાં પણ ‘મહાત્મા’ શબ્દથી મારો ઉલ્લેખ ન કરે. હું તો અલ્પપ્રાણી છું. હજી મારામાં શુદ્ધતાની, પ્રેમની, વિનયની ખામી ભરી છે. નહીં તો મારી આંખમાં તમે એવું જુઓ કે સાનમાં સમજી જાવ. તમે મને ‘મહાત્મા’ માનો છો એનું કારણ ગરીબમાં ગરીબ માટે રહેલો મારો અગાધ પ્રેમ છે. ગમે તે થાય તોપણ ચીંથરેહાલનો તો મારાથી કદી ત્યાગ ન જ થઈ શકે. તેથી જ તમને લાગે છે કે ગાંધી કાંઈક કામનો માણસ છે. ત્યારે મને ચાહનારા સૌની પાસે હું એ માગું છું કે તમે મારે માટે પ્રેમ ધરાવો છો, તો જેમને માટે હું પ્રેમ ધરાવું છું તે ગામડાંના લોકોને અન્નવસ્ત્ર મળ્યા વિના ન રહે એવી કોશિશ કરો. મારે માટેના પ્રેમનું કારણ બીજું કશું નથી — સિવાય કે હું ગરીબોની સાથે ઓતપ્રોત થયેલો છું. હું ભંગીની સાથે ભંગી થઈ શકું છું, ઢેડ સાથે ઢેડ થઈ તેનું કામ કરી શકું છું. જો આ જન્મે અસ્પૃશ્યતા ન જાય ને મારે બીજો જન્મ લેવાનો હોય, તો ભંગી જ જન્મવા ઇચ્છું. અસ્પૃશ્યતા રહે ને મારાથી હિંદુધર્મ તજી શકાતો હોય તો હું તજું. પણ મને તો મારા ધર્મ વિશે એટલી શ્રદ્ધા છે કે મારે તેમાં જ જીવવું રહ્યું અને તેમાં જ મરવું રહ્યું. એટલે તે ખાતર પણ પાછો જન્મું તો ભંગી જ જન્મું. [મુંબઈની પારસી રાજકીય સભા તરફથી યોજાયેલી સભામાં ભાષણ : ૧૯૨૪]