સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/કેટલું મળ્યું?

From Ekatra Wiki
Revision as of 05:28, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેક્સીકોના એક પ્રદેશમાં ઠંડા અને ગરમ પાણીના ઝરા પાસે પાસે આવેલા છે. ત્યાંથી સ્ત્રીઓ પોતાનાં કપડાં પહેલાં ઊકળતા પાણીના ઝરામાં બોળે છે અને પછી બાજુના ઠંડા પાણીમાં તારવીને નિચોવી નાખે છે. આવી સગવડ જોઈને ત્યાં ગયેલ એક પ્રવાસીએ કહ્યું : “આવી સરસ કુદરતી સગવડ મળવાથી અહીંના લોકો ઈશ્વરનો આભાર માનતા હશે!” “આભાર?” ત્યાંના રહેવાસીએ સામે કર્યો, “અરે, અહીંના લોકો તો અફસોસ કરે છે કે ઝરામાં ગરમ પાણી તો છે પણ તે સાબુ કે સોડાવાળું નથી!” કેટલાંક દુઃખો આપણે પોતે ઊભાં કરીએ છીએ, એમાંનું એક દુઃખ આપણા અસંતોષનું છે. સામાન્ય રીતે, માણસ પોતાને જે મળવું જોઈએ તે મળ્યું નથી, પોતાને કેટલો અન્યાય થયો છે એનો જ વિચાર કરે છે. આવા વિચારને કારણે તેનામાં અસંતોષ જન્મે છે અને અસંતોષમાંથી દુઃખ જન્મે છે. આવી રીતે વિચારનાર માણસને અન્યાય થયો હશે અને તેને કારણે તેને કેટલુંક ગુમાવવું પડ્યું હશે; પરંતુ તેને જે પ્રાપ્ત થયું છે તેમાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે, તેનો તેને વિચાર આવે છે ખરો? આપણા જીવનની રચના એટલી અટપટી છે કે આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ તોપણ આપણી પાસેનું બધું માત્ર આપણી શક્તિઓને કારણે જ પ્રાપ્ત થઈ શકે નહિ. કેટલી બધી વસ્તુઓ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં મળેલી હોય છે? કેટલું બધું મિત્રોને કારણે પ્રાપ્ત થયું હોય છે? કેટલું દેશને કારણે, સમાજને કારણે, જાણીતા અને અજાણ્યા લોકોને કારણે આપણને મળ્યું હોય છે? આપણે જે કાંઈ હોઈએ, જ્યાં હોઈએ, ત્યાં પહોંચવામાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે તેનો જો આપણે વિચાર કરીએ, તો એમના તરફ આપણા મનમાં આભારની લાગણી ઉત્પન્ન થયા વિના રહે નહિ. જે માણસ બીજાના ઋણનો સ્વીકાર કરે છે, તે ઊંડા સુખ અને સંતોષની લાગણી અનુભવી શકે છે.