સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવંત ત્રિવેદી/મરણને મૂઠીમાં લઈ ચાલનાર
૧૯૪૨માં રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં કેદની સજા ભોગવી રહ્યા હતા. તે દરમિયાન બબલભાઈ મહેતાને જેલમાં દાદાના ભેગા રહેવાનો સુયોગ મળ્યો હતો. એ દિવસોમાં દાદાનાં લોકકાર્યના અનુભવો એમના મુખે સાંભળવાનો લહાવો અનેકોની સાથે બબલભાઈને પણ મળ્યો હતો. પણ ગુજરાતના લોકજીવનના હિતમાં આ પ્રસંગો સંઘરી રાખવા જેવા છે એવો વિચાર બબલભાઈને આવ્યો, એટલે મહારાજને પૂછી પૂછીને એમણે આગલાપાછલા અનુભવો નોંધવા માંડ્યા. મહારાજને તે વખતે સ્વપ્નેય ખ્યાલ નહીં કે સહેજ સહેજમાં કહેવાતી રહેલી અનુભવવાર્તા પુસ્તકનું રૂપ ધારણ કરશે. પણ મહારાજ રહ્યા પોતાની જાતના કડક પહેરેગીર. મરદનાં વખાણ મસાણે થાય, એવું માનનારા. એટલે પોતાના જીવતાં પોતાની પ્રસિદ્ધિની વાતને તેઓ શેના અનુમોદન આપે? આમ મહારાજના પૂર્વજીવનનો તૈયાર થયેલો વૃત્તાંત મહારાજની સંમતિને અભાવે ચારેક વરસ એમ ને એમ પડી રહ્યો. આખરે સ્વજનોના આગ્રહને વશ થઈને મહારાજે એના પ્રકાશનને સંમતિ આપી અને ૧૯૪૭માં ‘મહારાજ થયા પહેલાં’ એ નામે પુસ્તિકા પ્રગટ થઈ.
બબલભાઈને મહારાજનું સારુંયે જીવન પ્રજા સમક્ષ રજૂ કરવું હતું એટલે ૧૯૫૫માં ‘રવિશંકર મહારાજ’ એ નામે મહારાજના જીવનપ્રસંગો આલેખતું બીજું દળદાર પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. મહારાજ ત્યાર પછી તો ત્રીસેક વર્ષ જીવ્યા. પણ હવે બબલભાઈ આપણી વચ્ચે નથી અને અનુભવવાર્તા કહેનાર મહારાજ પણ નથી. પાછલાં વર્ષોનાં કાર્યો ઉપર પ્રકાશ નાખનારા ચરિત્રકારની જરૂર રહેશે.
‘મહારાજ થયા પહેલાં’ અને ‘રવિશંકર મહારાજ’—બંને મળીને એક સળંગ જીવનકથા આપણને મળે છે. કાકાસાહેબ કાલેલકરે યથાર્થ જ કહ્યું છે કે, “નિ:સ્પૃહતા જાળવ્યા છતાં બધા પ્રત્યે સમભાવ અને મીઠાશ બતાવવાની કળામાં તો ગાંધીજી પછી તેમનું જ સ્થાન છે.”
એમના જીવન ઉપર અનેકોનો પ્રભાવ વર્તી શકાય છે. પણ મહારાજે પોતે એ વિશે જે કહ્યું છે તે અત્યંત મહત્ત્વનું છે:
“હું સાવ નાનો હતો ત્યારે માતાપિતા તરફથી મને શુભ સંસ્કારો મળ્યા હતા, તેમાં આર્યસમાજે તર્કનો ઉમેરો કર્યો અને ગાંધીજીએ જીવવાની દૃષ્ટિ આપી. મારા જીવનમાં મને વધારેમાં વધારે આનંદ આપનાર વ્યકિત ગાંધીજી છે. એ મહાપુરુષ ન હોત તો હું ક્યાં હોત? એમની સાથે બેસીને મેં બહુ વાતો નથી કરી, બહુ પ્રશ્નો પણ નથી પૂછ્યા, એમ છતાં મને લાગ્યા કરે છે કે મારી બધી ગૂંચો એ મહાપુરુષે જ ઉકેલી છે. એમના કાળમાં મારો જન્મ થયો છે એ માટે હું મારી જાતને હંમેશ ધન્ય માનું છું.”
નાના હતા ત્યારથી જ આડોશીપાડોશી માટે કે અજાણ્યા માટે નિ:સ્પૃહ ભાવે ટાંપાં ખાવામાં મહારાજને જરાયે આળસ ન હતું. બીજા માટે જાત ઘસવામાં તેઓ આનંદ અનુભવતા.
સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃતિ, નમ્રતા અને નિરહંકાર આ પાંચે ગુણો જેવા ગાંધીજીના તેવા જ મહારાજના હતા. એટલે જ ગાંધીજીના અવસાન પછી ગુજરાતની પ્રજાની આંખ મહારાજને જોઈને ઠરતી.
મહારાજે જ્યાં જ્યાં પોતાનું કામ ગોઠવ્યું ત્યાં ત્યાં લોકોએ એમનો પ્રેમથી સ્વીકાર કર્યો છે, એમનો પડ્યો બોલ ઉપાડ્યો છે. અને એમની આંગળીના ઈશારે એમણે દુ:ખકષ્ટ પણ સહ્યાં છે. મહારાજ જાણે કે સેવાકાર્યની જંગમ વિદ્યાપીઠ બની રહ્યા હતા.
કોલેરા હોય કે કોમી હુલ્લડ હોય, દુષ્કાળ હોય કે પૂર હોય, ગુજરાત હોય કે બિહાર હોય, લોકોને મહારાજની અપ્રતિમ સેવાઓ હરેક પ્રસંગે મળતી જ રહેલી. કોમી હુલ્લડના દિવસોમાં હિંદુ અને મુસલમાન લત્તાઓમાં જરા પણ ખચકાટ વિના કે રક્ષણ વિના મડદાંને અવલમંજલ પહોંચાડવા અને વૈરની આગ હોલાવવા એ મચી પડેલા હોય. મરણને મૂઠીમાં લઈને ચાલનારા એ મરજીવા હતા.
[‘વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ’ પુસ્તક]