સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાસીન દલાલ/નિર્લેપતાના ભીતરમાં

From Ekatra Wiki
Revision as of 06:11, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જીવનમાં અમુક પ્રકારના માણસોનો પરિચય થયા પછી મનમાં અફસોસ થાય છે કે આ સંબંધ આટલો મોડો કેમ બંધાયો? કેટલો બધો સમય આપણે આ સંબંધથી વંચિત રહ્યા! પ્રા. રમણ પાઠકનું વ્યક્તિત્વ આ પ્રકારનું છે. એમનો પરિચય મને છેક ૧૯૮૦ના અરસામાં થયો અને એ પ્રથમ પરિચય ગાઢ સંબંધમાં ફેરવાઈ ગયો. કદાચ, આ મિલન માટે હું વર્ષોથી ઉત્સુક હતો. કારણ? કારણ સ્પષ્ટ હતું. ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઈક જુદું વિચાર્યા કરતો હતો. સામાન્ય બુદ્ધિમાં ન ઊતરે એવી કોઈ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઈને, મનુષ્યજીવનનું ગૌરવ હણાતું જોઈને મન બાળપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થતું, હું જે વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઈ મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ. રમણભાઈના સુસ્પષ્ટ વિચારો, અને એવી જ સ્પષ્ટ આચારધારા. સ્થિતપ્રજ્ઞ જેવો સ્વભાવ. નહીં ઉશ્કેરાટ, નહીં લાગણીવેડા. સામે ગમે તેવો અંધશ્રદ્ધાળુ આવી ચડે, તોય પોતાની વાત તેને સમજાવે, દલીલોથી ગળે ઉતરાવવા પ્રયત્ન કરે; સામા માણસને ઉતારી પાડવાની વૃત્તિ નહીં. અને એ બધું નિર્લેપભાવે કરે. પણ બહારનાં આ નિર્લેપ વલણના ભીતરમાં તો આ પતિત અને ગુમરાહ સમાજની અવદશા જોઈને ભારોભાર વ્યથા ને અનુકંપા અનુભવે. સુરતના દૈનિક ‘ગુજરાતમિત્રા’માં રમણભાઈની કટાર ‘રમણભ્રમણ’ ૨૫-૩૦ વરસથી ચાલે છે, તેમાં બુદ્ધિપ્રામાણ્યવાદ(રેશનાલિઝમ)ના એમના વિચારો માટે મોકળું મેદાન મળ્યું. દક્ષિણ ગુજરાતના હજારો વાચકો સુધી તેની મારફત નવા વિચારો ફેલાતા જ ગયા, અંધશ્રદ્ધા સામે જેહાદ ચાલતી રહી. આજે ગુજરાતમાં વલસાડથી પાલનપુર સુધી અને સૌરાષ્ટ્રને ખૂણેખૂણે ‘રેશનાલિસ્ટ’ વિચારો ધરાવનારા લોકોનો એક નાનકડો વર્ગ ઊભો થયો છે એની પાછળ રમણ પાઠકની કલમની પ્રેરણા પણ છે.