સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“તમને છોડીને કેમ જાઉં?”

From Ekatra Wiki
Revision as of 09:08, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રીજી સહસ્રાબ્દીનું પ્રથમ વરસ. ૨૬મી જાન્યુઆરીનું પર્વ. ધરતી અચાનક ધ્રૂજવા લાગી... તે વખતે હું અમદાવાદમાં ચાર માળના મકાનમાં ત્રીજે માળે મારા ફ્લેટમાં હતો. નાહી-ધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો, છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખી એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે પૌત્રા ગૌરવ અટકચાળું કરે છે; કંઈ બોલ્યો નહીં. ત્યાં તરત મોટો આંચકો આવ્યો, એટલે મેં કહ્યું, “બબલુ, મને શાંતિથી વાંચવા દે!” વળી જોરદાર આંચકો આવ્યો અને હું બોલ્યો, “બબલુ, કેમ આમ સોફા હલાવ્યા કરે છે?” તે ઘડીએ પુત્રાવધૂ રેણુકા આવીને સોફા પર મારી જમણી બાજુએ બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. તેની આ વર્તણુક મને નવાઈની લાગી. એટલામાં ચોથો આંચકો આવ્યો ને વળી સોફા ખસ્યો. મેં રેણુકાને કહ્યું, “બાબલો આજે કેમ તોફાને ચડયો છે? સોફાને ધક્કા માર્યા કરે છે!” હવે એ બોલી, “બાબલો નથી એ...” એકાએક મને ભાન થયું : “તો શું ધરતીકંપ છે?” “હા...” “તો છોકરાં ક્યાં છે?” “બધાં નીચે ઊતરી ગયાં!” “તો તું કેમ ન ગઈ?” “તમને મૂકીને હું કેવી રીતે જાઉં?” તરત હું ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. મારો હાથ પકડીને રેણુકા મને લઈ ચાલી. વીજળી બંધ, લિફ્ટ બંધ... ત્રાણ ત્રાણ દાદરા ઊતરવાના. મને દેખાય નહીં તેથી સાચવીને મને ઉતારવાનો, અને છતાં એકદમ ઝડપથી ઊતરી જવાનું. દાદરા ઊતર્યા પછી વળી લાંબી પાળી પાર કરવાની. તોય બધું વટાવીને બહાર રસ્તા પર જઈ ઊભાં. કંપ હવે બંધ થઈ ગયો હતો. કટોકટીની અમારી પળો ફ્લેટમાં જ વીતી ગઈ હતી. મકાન હલ્યું, પણ પડ્યું નહીં. આંખે નહીં ભાળતા ૯૪ વરસના વૃદ્ધને ત્રાણ દાદરા ઊતરતાં ને પછી ત્રીસ ફૂટની પડાળી વટાવતાં કેટલી બધી વાર લાગી હશે! એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી! ‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં!’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને? પણ પારકી દીકરી પરણીને પછી પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે, આત્મીય કરીને માને છે, તેનું ચરમ દૃષ્ટાંત તે દિવસે જોયું. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જ્વળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.

*

ફ્લેટમાં તો હવે પાછું જવાય તેમ નહોતું. અમારી જેમ અમદાવાદમાં લાખો લોકો એક પળમાં નિરાશ્રિત બની ગયાં હતાં. કોઈએ સગાંવહાલાંનો આશરો લીધો, કોઈએ મિત્રોનો, તો કોઈ સાવ રસ્તા પર જ રહ્યા. અમે બધાં સ્વ. નગીનદાસ પારેખના પુત્રા ભાઈ નિરંજનને ઘેર જઈ ઊભાં. નિરંજનની પત્ની દક્ષા સદા હસમુખી ને આનંદી. જવલ્લે જ જોવા મળે એમાંની એ. માત્રા ભોંયતળિયાવાળું નગીનભાઈનું મકાન. પણ સામે જ ઢગલાબંધ ઊંચાં મકાનો. બાજુમાં પણ એવું મોટું મકાન. સામેનાં મકાનના ફ્લેટવાળાંઓએ પણ દક્ષાને ત્યાં જ આશરો લીધેલો. નિરાશ્રિત કેમ્પ જ જોઈ લો! પાછળથી ધરતીકંપના આંચકા અવારનવાર આવતા રહે અને બધાં દોડીને બહાર દૂર જઈ ઊભાં રહે. પણ જેમ રેણુકા તેમ દક્ષા મને લીધા વગર ડગલું ખસે નહીં. રાતે-મધરાતે સવારે-બપોરે આવી ભાગદોડ કરવી પડે — અને તેની વચ્ચે સૌએ નહાવું-ધોવું, ખાવું-પીવું પણ પડે ને! સૌ મળીને કામકાજ આટોપતાં, તોયે ગૃહિણી તરીકે દક્ષાને માથે વિશેષ ભાર રહે એ દેખીતું છે. પણ એ ભાર એના મોં પર લેશ પણ કળાય નહીં. ત્યાં તો હસું-હસું થતું મુખ જ હોય. અમે અઠવાડિયું નિરંજનભાઈને ઘેર રહ્યાં. પછી સત્યાગ્રહ સંગ્રામના મારા મિત્રા નરહરિભાઈ ભટ્ટના પુત્રા ભાઈ સિદ્ધાર્થને ઘેર જઈ રહ્યાં. સિદ્ધાર્થ અમેરિકામાં ભણીને પ્રોફેસર થયેલો. એના મોટાભાઈ અશોકની પેઠે એ પણ અમેરિકામાં સ્થિર થઈ શક્યો હોત. પણ માતાપિતાની સેવામાં રહેવાના એકમાત્રા હેતુથી અમેરિકા છોડી એ દેશમાં આવી રહ્યો. નરહરિભાઈ જાણીતા કોશકાર, તો ભાઈ સિદ્ધાર્થ સરદાર વલ્લભભાઈના જીવનના અભ્યાસી તરીકે જાણીતા છે. એની પત્ની કોકિલા સુશિક્ષિત સન્નારી. બેઉનો અમને ખૂબ આધાર મળ્યો. અઠવાડિયું એમને ત્યાં રહ્યા પછી અમે અમારા ફ્લેટમાં ફરી રહેવા આવ્યાં, ત્યાર પછી પણ દિવસો લગી અમે રાત્રો સૂવા માટે એમને ઘેર જ જતાં હતાં. ધરતીકંપની થોડી સેકંડોમાં કેટલાં બધાં મકાનો જમીનદોસ્ત થયાં, કેટલાં બધાં માનવીઓ તેમાં કચડાઈ-દટાઈને મર્યાં, એથીયે વધારે કેટલાં બધાં નિરાધાર બન્યાં! મને થયું : ભગવાન શા સારુ આવો કેર કરતો હશે? મહાકવિ રવીન્દ્રનાથના શબ્દો મને યાદ આવ્યા : ‘પ્રભુ પોતાને હાથે નિર્દય આઘાત કરીને આપણને જગાડવાનું કરે છે.’ આ ભૂકંપથી દુનિયાના કેટકેટલા લોકોનાં હૃદય હાલી ઊઠયાં છે! ચારેબાજુથી ભૂકંપગ્રસ્તોની વહારે ધાવા પોકાર ઊઠયો છે. આ સમવેદનાનો અનુભવ એક શુભ ચિહ્ન છે. ધરતીકંપ તો સમય જતાં ભુલાઈ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે. જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમની વેદનાયે ધીરેધીરે શમતી જશે.... અને પછી પ્રગટતી થશે — આ ધરતીકંપે માનવીને ઢંઢોળીને કેવો જાગૃત કર્યો, પ્રવૃત્ત કર્યો તેની કથાઓ. એ કથાઓ એકવીસમી સદીની માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે. એ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ પોતાના વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે, “તમને છોડીને હું કેવી રીતે જાઉં?” પણ સમાજના શિખરે બિરાજતો માનવીયે તળિયાના તુચ્છ જીવને કહેતો હશે કે, “તને છોડીને હું કેવી રીતે જાઉં?”