સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ દેસાઈ/ઘોંઘાટનો અત્યાચાર
માંદાં કે ઘરડાં માણસોની, નાનાં બાળકોની ને વિદ્યાર્થીઓની અને મૂંગાં જાનવરોની હાલત પ્રત્યે સદંતર ઉપેક્ષા સેવીને આપણે દરેક ધાર્મિક પ્રસંગને ત્રાસદાયી રીતે ઊજવીએ છીએ.
ગણેશોત્સવ વખતે પૂરા દસ દિવસ મધરાત સુધી હલકાં ફિલ્મી ગાણાં ને અર્થહીન ભજનોનો ત્રાસદાયક ઘોંઘાટ મચાવવામાં આવે છે. ગણપતિને વિદાય આપીને નિરાંતનો દમ લઈએ, તે પહેલાં તો પાવાગઢવાળાં મા મેદાનમાં ઊતરી પડે છે. મંદિરો ને મહોલ્લાઓમાં ગોઠવાયેલાં લાઉડસ્પીકરો નવરાત્રીમાં લોકોની ઊંઘ હરામ કરે છે. ગરબાને નામે મોટે ભાગે જંગાલિયતનું પ્રદર્શન થાય છે. પછી પંદરેક દિવસમાં આવતી દિવાળી જંગલીપણાના, પરપીડનવૃત્તિના નગ્ન પ્રદર્શનની વિશેષ તક આપે છે.
પર્યુષણ પ્રસંગે ઉપવાસ કરનારા તપસ્વીઓના વરઘોડા ઘોઘરાં બેંડવાજાં સાથે આખા ગામમાં ફરે છે. ઉપવાસ કર્યા તે આત્મશુદ્ધિ માટે કે પોતાની જાતનાં આવાં વરવાં પ્રદર્શન-પ્રસિદ્ધિ માટે? પોતાના ધર્મગ્રંથોના પાઠ કરવા મળસકેથી જ બેસી જનારા શીખોને લાઉડસ્પીકર વિના હરિનામ લેવાનું ફાવતું નથી. મુસલમાનો પણ દરરોજ પાંચ વખત લાઉડસ્પીકર પર બાંગ પોકારે તો જ એમને સંતોષ થાય છે.
મોટા અવાજો જેમને આ રીતે સતત સાંભળતા રહેવા પડે છે, તે લોકોનાં મન તેમજ શરીર પર તેની માઠી અસર થાય છે, તેની કાર્યશક્તિ ઘટે છે, એ તો હવે સહુ જાણે છે. તેમ છતાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગને બહાને સમાજના જુદા જુદા વર્ગો એકબીજા ઉપર ઘોંઘાટનો અત્યાચાર કરતા જ રહે છે.
[‘ગુજરાતમિત્રા’ દૈનિક : ૧૯૭૮]