સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/વરસાદ ભીંજવે

From Ekatra Wiki
Revision as of 09:35, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે;
દરિયા ઊભા ફાટયા રે વરસાદ ભીંજવે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટયા રે વરસાદ ભીંજવે.

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલોઘમ્મર નાગ જીવને અનારાધારે કરડે રે વરસાદ ભીંજવે.

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.