સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/કોઈ ચાલ્યું ગયું
Revision as of 09:45, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું
છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું
બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું
બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું