સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“હોકો પીએ એટલામાં!”

From Ekatra Wiki
Revision as of 10:18, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯૩૦ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઈઓ મળવા આવેલા. ધરાઈને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક બહુ સારું કામ થયું.” “શું?” મેં પૂછ્યું. “આપણે ત્યાં હવે મોટર-બસ આવે છે. શું વાત કરીએ, મહારાજ — આ હોકો પીએ એટલામાં તો બોરસદ ભેગા!” બસની સગવડ થવાથી બધા રાજી રાજી થઈ ગયા હતા. તેમને મેં કહ્યું, “હોકો પીઓ એટલામાં મોટર તમને બોરસદ પહોંચાડી દે, એ વાત મારા માન્યામાં આવતી નથી. એટલી વારમાં ન લઈ જાય.” મારી વાત સાંભળીને બધા હસવા લાગ્યા ને બોલ્યા, “સાચી વાત છે, સાચી વાત છે, મહારાજ, તમે આવશો ત્યારે બતાવીશું.” “ભલા માણસ, ન લઈ જાય એટલી વારમાં!” “શું મહારાજ, તમે માનો નહીં! ખરેખર, આ હોકો પીએ એટલી વારમાં જ બોરસદ ભેગા કરે છે.” “ઠીક, પણ બોરસદ લઈ જવાનું ભાડું શું લે છે?” “છ આના.” “જતાં-આવતાંના કેટલા થયા?” “બાર આના.” “આખા દિવસની મજૂરીના તમને કેટલા આના મળે છે?” “ત્રાણ આના.” “તો બાર આના કમાતાં કેટલા દહાડા લાગે?” “ચાર દહાડા.” “ત્યારે મોટર તમને હોકો પીઓ એટલામાં પહોંચાડે છે, કે બે દહાડે?” બધા ખડખડાટ હસવા લાગ્યા. [‘લોકજીવન’ માસિક : ૧૯૫૬]