સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/વાનપ્રસ્થી પથાભાઈ

From Ekatra Wiki
Revision as of 10:28, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધોળકા તાલુકાના આદરોડા ગામના પથાભાઈએ પોતાની છઠ્ઠા ભાગની ૨૦ એકર જમીન મને ભૂદાનમાં આપી હતી. તેઓ મારા જેલજીવન વખતના સ્નેહી. બીજે વરસે ફરતો ફરતો હું એમના ગામમાં ગયો, ત્યારે તેઓએ મને ઠપકો આપતાં કહ્યું, “મહારાજ, તમે તો ખરા માણસ છો! આ જમીન દાનમાં આપી છે તે વહેંચતા કેમ નથી?” “આજે હું વહેંચવા જ આવ્યો છું.” “તો એ જમીન ભંગીભાઈઓને આપી દો.” પથાભાઈએ કહ્યું. આજ સુધી તો એમ સાંભળ્યું હતું કે ભંગી કોઈ દહાડો ખેતી કરી જ શકે નહીં. પણ આજે પથાભાઈને મોઢેથી સામેથી ભંગીને જમીન આપવાની વાત સાંભળી મને ખૂબ ઉત્સાહ થયો. મેં એમની આગળ બીજી વાત મૂકી: “જુઓ પથાભાઈ, જમીન તો જાણે આપીએ. સાથે બીજું પણ વિચારાય. તમે હવે વાનપ્રસ્થી થયા. તમારી ખેતી તો આ ગોવિંદ સંભાળે છે, ત્યારે તમે તમારા અનુભવનો લાભ આ ભંગીઓને આપો. જમીન આપો ને એમની સાથે મળીને ખેતી કરાવો.” એમણે તુરત જ કહ્યું, “મારે કબૂલ છે.” અને પછી દીકરા તરફ ફરી બોલ્યા: “જો ગોવિંદ! રોટલા તારે ખવડાવવાના, અને ખેતી હું ભંગીભાઈઓની કરીશ.” પછી તો રોજ સવાર પડે કે પથાભાઈ ભંગીવાસમાં પહોંચી જાય અને પોતાના અનુભવને આધારે એમને વ્યવસ્થિત કામ કરતાં શીખવે. વરસ-બે વરસમાં તો એ લોકો સુંદર ખેતી કરતા થઈ ગયા.