સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ વ્યાસ, ‘મિસ્કિન’/ગઝલ

From Ekatra Wiki
Revision as of 13:01, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા,
શ્વાસ તારાથી સહજ લેવાય છે? આભાર માન.

કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન.

કૈંકને દૃષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું,
આંખથી ચોખ્ખું તને દેખાય છે? આભાર માન.

જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને,
આ જગત સ્પર્શાય છે? સમજાય છે? આભાર માન.

કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા,
જીવવાનું મન પળેપળ થાય છે? આભાર માન.

એકસરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ;
વત્તુંઓછું જો હૃદય હરખાય છે, આભાર માન.

જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ,
હોઠ આ ફફડે છે તો બોલાય છે? આભાર માન.

વ્હેણ સુકાયાં નથી ને અવસરે શોભે હજી,
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન.

કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત,
આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન.
[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૫]