સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/જો એવી જાણ હોય કે —

Revision as of 09:14, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આજની ઘડીએ મને — લેખકને અને તમને — વાચકને નીરોગી ને પૂરતો ખોરાક, સ્વચ્છ હવા, કપડાં, મનોરંજનનાં સાધન, અને સૌથી અગત્યની વસ્તુ તે — દિવસે ફુરસદ ને રાતે ઘસઘસાટ ઊંઘ મળે છે. પણ અહીં આપણી નજર સામે જ જે મજૂરો રહે છે તેમને નથી મળતો નીરોગી ખોરાક, નથી મળતાં હવાઉજાસવાળાં ઘર, કે નથી મળતાં પૂરતાં કપડાં. તેમને દહાડે ફુરસદ તો શું, રાતે ઊંઘ સરખી નથી મળતી. એમાંનાં વૃદ્ધો, બાળકો ને સ્ત્રીઓનાં શરીર વૈતરાથી, ઉજાગરાથી, રોગથી ઘસાઈ ગયેલાં છે. જે ચીજો તેમની પાસે નથી અને જે આપણને જરૂરની નથી, એવી ભોગવિલાસની ચીજો આપણા માટે પૂરી પાડવામાં એમની આખી જિંદગી તેઓ ખરચે છે. સુખચેનનું જીવન ગાળનાર કોઈ પણ માણસને જો એવી જાણ હોય કે તે પોતે વાપરે છે એ ચીજો પેદા કરનારા માણસો તે ખાણોમાં, કારખાનાંમાં અને ખેતરોમાં મજૂરી કરતાં અજ્ઞાન, દારૂડિયા, વિષયી, અર્ધજંગલી પ્રાણીઓ છે, તો પછી સ્વસ્થ ચિત્તે જીવવું એ માણસને માટે અશક્ય બની જશે. (અનુ. ચંદ્રશંકર શુક્લ)