સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/જગતસાહિત્યનો ગ્રંથમણિ
Revision as of 11:17, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હિન્દુ શાસ્ત્રોમાં ‘ભગવદ્ગીતા’નું જે અનુપમ સ્થાન છે તેવું બૌદ્ધ ધર્મમાં ‘ધમ્મપદ’નું છે. જગતસાહિત્યમાં ‘ધમ્મપદ’ એક ગ્રંથમણિ ગણાય છે. બૌદ્ધ સાહિત્યનો વિપુલ ભંડાર તે ‘ત્રિપિટક’; તેમાં આ ‘ધમ્મપદ’ આવેલું છે—જેમ ‘મહાભારત’ વચ્ચે ‘ગીતા’.
‘ધમ્મપદ’ની હરેક ગાથા ભાષાએ ને ભાવે પાણીદાર મોતી સમી તેજસ્વી છે અને તેમાં, ફૂલમાં સુગંધ પેઠે, જીવનનું દર્શન મહેકતું હોય છે. પાલિ ભાષાની આ મૂળ ગાથાઓનું નમણું કલેવર ને એનું પદ-લાલિત્ય હૃદયંગમ છે.
‘ગીતા’એ જેમ સૈકાઓથી સંતપ્ત માનવીને શાતા અને સમાધાન આપ્યાં છે, તેમ ‘ધમ્મપદે’ શ્રદ્ધાળુ જનતાને સદીઓથી સંતાપોમાંથી મુકિત આપી છે અને જીવનની સાચી દિશા સુઝાડી છે. ભગવાન બુદ્ધના શ્રીમુખેથી ઝરેલા આ ધર્મામૃતના પાઠે પાઠે નવું જીવનદર્શન લાધે છે.