સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/પ્રજ્વલિત હૃદય
Revision as of 12:54, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત છે. હિંદુસ્તાનની વિધવાઓની હાલત જોઈને એમને અપાર દુ:ખ થતું હતું. તેથી એમણે પોતાનું આખું જીવન વિધવાવિવાહ આંદોલનને સમર્પિત કરી દીધું. આજન્મ એ જ કામ કર્યું. એક વાર એમના એક મિત્રની કન્યા લગ્ન બાદ એમના આશીર્વાદ લેવા આવી. તો એમણે આશીર્વાદ આપ્યા કે, “તું કદાચ વિધવા થઈ જાય, તો નિર્ભયતાપૂર્વક પુન:વિવાહ કરજે!” એ મહાપુરુષના મોઢે આવા શબ્દો નીકળી પડ્યા.
આપણને કદાચ આ અભદ્ર વાણી લાગે. પણ એક વિચારથી ઘેરાયેલી વ્યકિતનું સમર્પિત જીવન અને પ્રજ્વલિત હૃદય તેમાં પ્રગટ થયું હતું. વિચારની ખરી શકિત ત્યારે પ્રગટ થાય છે, જ્યારે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને તે વિચારના પ્રચારમાં માણસ લાગી જાય છે. અન્ય વિચાર કોઈ મનમાં આવે જ નહીં. અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી, એવું થવું જોઈએ.