સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/રગ-રગમાં ભારતીયતા ભરી છે

From Ekatra Wiki
Revision as of 13:07, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આપણા ઋષિઓ અને મહર્ષિઓએ આખા ભારતને એક બનાવવા માટે યુક્તિ શોધી કાઢી. ‘ભારતવર્ષ પુણ્યભૂમિ છે,’ એમ કહીને એમણે લોકોને યાત્રા કરવાની પ્રેરણા આપી. ‘કાશી મોટું તીર્થસ્થાન છે, રામેશ્વર પુણ્યધામ છે,’ એમ કહીને લોકોને તીર્થાટનની પ્રેરણા આપી. તે જમાનામાં આવવા-જવાનાં સારાં સાધનો હતાં નહીં, યાત્રા કરવામાં ઘણું કષ્ટ પડતું; તેમ છતાં લોકો યાત્રા કરતા. આવી તીર્થયાત્રાઓના મૂળમાં ઉદ્દેશ ભારતદર્શનનો જ રહેતો. ઋષિઓના મનમાં રાષ્ટ્રીય એકતાનો ઉદ્દેશ હતો. કાશીમાં ગંગાતટ ઉપર રહેનારો તડપે છે કે કાશીની ગંગાની કાવડ ભરીને ક્યારે રામેશ્વરને ચઢાવું? જાણે કાશી અને રામેશ્વર એના મકાનનું આંગણું અને પાછલો વાડો ન હોય! વાસ્તવમાં બંને વચ્ચે પંદરસો માઈલનું અંતર છે, પરંતુ આપણા શ્રેષ્ઠ ઋષિઓએ આપણને એવો વૈભવ આપ્યો છે કે આપણું આંગણું પંદરસો માઈલ સુધી વિસ્તરેલું છે! રામેશ્વરમાં રહેનારો તડપે છે કે રામેશ્વરના સમુદ્રનું જળ કાશી-વિશ્વેશ્વરના મસ્તક ઉપર ક્યારે ચઢાવું? કેટલી વ્યાપક અને પવિત્ર ભાવના છે આ! ૧૨૦૦ વરસ પહેલાં શંકરાચાર્ય દક્ષિણમાંથી યાત્રા કરતા કરતા છેક શ્રીનગર ગયા હતા અને ત્યાં પહાડ ઉપર ભગવાન શંકરની સ્થાપના કરી હતી. શંકરાચાર્યે બિલકુલ જુવાનીમાં પગપાળા યાત્રા કરી અને કેરલથી નીકળીને કાશ્મીર પહોંચ્યા. મલબારનો એક છોકરો, ભારતના ઠેઠ દક્ષિણ છેડાનો એક છોકરો, તે જમાનામાં કાશ્મીર સુધી પગે ચાલતો ચાલતો આવ્યો. શંકરાચાર્યે સમાધિ પણ હિમાલયમાં જ લીધી. કેદારનાથમાં શંકરની સમાધિ છે. વળી, કેદારનાથના મંદિરમાં આજ સુધી એવી પરંપરા ચાલી આવે છે કે ત્યાંનો મુખ્ય પૂજારી કેરલનો નંબૂદ્રી બ્રાહ્મણ જ હોય. શંકરાચાર્યે ચાર દિશામાં ચાર આશ્રમ સ્થાપ્યા-દ્વારિકા, જગન્નાથપુરી, બદ્રીકેદાર અને શૃંગેરી. હજાર-હજાર માઈલનું અંતર આ મઠો વચ્ચે હતું. એ મઠોવાળાઓને એકબીજાને મળવું હોય તોયે વરસ-બે વરસ પગપાળા યાત્રા કરવી પડતી! મને એમ લાગ્યું છે કે શંકરાચાર્યમાં સમસ્ત ભારતીયતા મૂર્તિમંત થઈ ગઈ હતી. આપણો ભારત દેશ મોટો છે, મહાન છે; પરંતુ આ મહાનતા એમની એમ નથી આવી ગઈ, તેની પાછળ દીર્ઘ કાળની વિચારપૂર્વકની મહેનત છે, સાધના છે. તેના પરિણામ સ્વરૂપ આવી એક મહાન સંસ્કૃતિ ઊભી થઈ છે. આ પ્રાચીન સંસ્કૃતિનો સંદેશ આ દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચાડવામાં આવ્યો છે. જ્યારે આજના જેવાં સંદેશવ્યવહારનાં કોઈ સાધનો નહોતાં, ત્યારે આવડું મોટું રાષ્ટ્રીય એકતાનું જે કામ થયું છે, તે અદ્ભુત જ છે! અનેકાનેક ભેદ હોવા છતાં આપણા પૂર્વજોએ એક રાષ્ટ્રની ભાવના આપણા ચિત્તમાં એવી તો બેસાડી દીધી છે, તેના માટે એવી એવી પરંપરા ઊભી કરી દીધી છે કે આશ્ચર્ય જ થાય છે! તમિલનાડુ, કર્ણાટક કે મહારાષ્ટ્રનો માણસ સ્નાન માટે કાવેરી, તુંગભદ્રા કે ગોદાવરી જશે તોયે કહેશે કે, હું ગંગા-સ્નાન માટે જાઉં છું! આ રીતે આપણા પૂર્વજોએ આપણી રગ-રગમાં ભારતીયતા ભરી દીધી છે. આવી એકતા એમનેમ ઊભી નથી થઈ ગઈ. અનેક સંતપુરુષો આ દેશની ધરતીને પગપાળા ખૂંદી વળ્યા છે, અને એમણે જ આ દેશને એક બનાવ્યો છે. ભારતના એક એક સંત-શિરોમણિ અહીં વરસો સુધી ઘૂમતા રહ્યા. શંકરાચાર્ય ૧૫ વરસ, રામાનુજ ૧૨થી ૧૪ વરસ, વલ્લભાચાર્ય ૧૮ વરસ, શંકરદેવ ૧૨ વરસ, નામદેવ ૧૩-૧૪ વરસ, નાનક ૧૮થી ૨૦ વરસ અને કબીર ૨૫થી ૩૦ વરસ સુધી પગપાળા ફર્યા. આવો ઉજ્જ્વળ ઇતિહાસ આ ભારતીય સંસ્કૃતિ પાછળ છે. હજારો વરસોના પ્રયત્ન બાદ માણસનો સદ્-અસદ્ વિવેક કેળવાયો છે, કેટલીક નિષ્ઠાઓ પાકી થઈ છે, ઉચિત-અનુચિતનો ખ્યાલ સ્થિર થયો છે. માણસની આ જે ઉચિત-અનુચિતની ભાવના બની છે, તે કોઈ રાજા-મહારાજાએ નથી બનાવી, સંતોએ બનાવી છે. આ સંત-મહાપુરુષો જો ન હોત, તો આપણે જાનવર જ રહી જાત. અહીંનું લોકમાનસ સંતો દ્વારા કેળવાયું છે. રવીન્દ્રનાથ ઠાકુરે ગાયું, ‘ભારતેર મહામાનવેર સાગરતીરે!’ ભારત એક મહામાનવ-સમુદ્ર છે. જેમ સમુદ્રમાં ચારે કોરથી નદીઓ આવીને મળે છે, તેમ આ દેશમાં લોકો આવીને અહીંના માનવસાગરમાં સમાઈ ગયા છે. આપણે હવે આ સમાજને એકરસ બનાવવાનો છે. એકરસ સમાજ હશે, તે ષડ્રસયુક્ત સમાજ હશે. ભિન્ન-ભિન્ન જમાતોના ગુણોને કાયમ રાખીને એમને સહુને આપણે એકરસ કરવા પડશે. સંગીતકારની માફક સાત સૂરોને મેળવીને એક સુંદર સુસંવાદી ‘ભારત-રાગ’ આપણે નિપજાવવાનો છે. [‘ભારતીય સંસ્કૃતિ’ પુસ્તક : ૨૦૦૩]