સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ડાહ્યો દીકરો

From Ekatra Wiki
Revision as of 13:14, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



મમ્મી રોજ સવારે ઑફિસે જાય છે.
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે.
મમ્મી જતી વખતે મને ખૂબ વ્હાલ કરે છે,
બકી ભરી મને કહે છે :
“મારો ડાહ્યો દીકરો છે ને! તોફાન નહીં કરતો,
યમુનાબાઈને પજવતો નહીં;”
અને મને એક ચોકલેટ આપે છે.
હું યમુનાને પજવતો નથી.
બાઈ મને વાર્તા કહે છે —
વાંદરાની, હનુમાનની,
રાક્ષસની, રામની, રાવણની, સીતાની...
સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે,
મને પાછું વ્હાલ કરે છે.
કહે છે : “કેટલો મિઠ્ઠો છે મારો દીકરો!”
અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે.
હું એને પૂછું છું :
“રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે, મમ્મી?”
મમ્મી કહે :
“હું ખૂબ થાકી ગઈ છું આજે.
રવિવારે તને રાવણની વાત કહીશ.”