સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/એક
Revision as of 13:24, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક—હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.
બસકંડક્ટરથી ધ્રૂજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બૅન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.
એક એક પૈસો ટૅક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.
ચોકી પર સંકોરાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો—
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ—
એક.