સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/થાય છે

From Ekatra Wiki
Revision as of 13:25, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’—લોકો કહે છે.
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
એનો સમય થઈ ગયો છે.
રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
સાઇકલોથી બચાવી બચાવી
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે—ફૂલની જેમ?
કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઈ તોફાની, જિદ્દી, મશ્કરા:
એને હેરાન તો નહીં કરે ને?
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે!
કેવી હશે એની ‘ટીચર?’ પ્રેમથી નીતરતી એની આંખો હશે
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બે કડક આંખો?
થાય છે: મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું!
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે: ‘તું ગાંડી છે,—’
દરેક માએ ક્યારેક તો... વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે!