સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/અલબેલો અંધાર હતો
Revision as of 07:45, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો...
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો...
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.
ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો...
[‘સહવાસ’ પુસ્તક]