સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/“અહીં તમારી સત્તાનો અંત આવે છે!”

From Ekatra Wiki
Revision as of 08:56, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્ત્રીના શારીરિક શોષણની સામેનો પ્રબળ વિદ્રોહ મહાશ્વેતા દેવીની ‘દ્રૌપદી’ વાર્તામાં કલાત્મક સ્તરે પ્રગટ્યો છે. નક્સલવાદી આંદોલન દરમિયાન જમીનદારીનો વિરોધ કરીને નીકળી પડેલા આદિવાસીઓમાંની એક સ્ત્રી છે દોપડી. દ્રૌપદી તો સવર્ણોનું નામ. દ્રૌપદીનો પતિ દુલન અને બાકીના સાથીઓ પોલીસના હાથે મરાયા, પણ દ્રૌપદી બચી ગઈ હતી. દ્રૌપદી પકડાય છે અને સેનાનાયક એને ‘ઠેકાણે લાવવા’નો હુકમ આપે છે. પાંચ-છ-સાત આવ્યા એને ઠેકાણે લાવવા ત્યાં સુધી દ્રૌપદીને ખબર છે... પછી એ બેહોશ થઈ જાય છે. ફરીવાર હોશમાં આવે છે અને ફરી શરૂ થાય છે એને ઠેકાણે લાવવાની પ્રક્રિયા... ને પછી ચાલુ જ રહે છે... સવાર પડે છે. એક માણસ એને સેનાનાયક પાસે લઈ જવા આવે છે. દ્રૌપદી એણે આપેલા પાણીના ઘડાને લાત મારીને ઢોળી નાખે છે. પહેરવા આપેલાં કપડાંના દાંતથી લીરેલીરા ઉડાડી દે છે અને લેવા આવનારને કહે છે: “ચાલ, ક્યાં લઈ જવી છે મને?” નગ્ન દ્રૌપદીને લોહી નીંગળતી હાલતમાં, ઉઝરડાયેલી-ઘારાં પડી ગયેલી છાતી સાથે ટટ્ટાર ડોકું રાખીને ચાલી આવતી જોઈ સેનાનાયક બેબાકળો બની જાય છે. અટ્ટહાસ્ય કરતી દ્રૌપદી ત્રાડે છે: “કપડાંનું શું કામ છે? તમે મને નગ્ન કરી શકો, પણ તમે મને કપડાં કઈ રીતે પહેરાવી શકવાના! સ્ત્રીને નિર્વસ્ત્ર કરવા સાથે જ તમારી સત્તા સમાપ્ત થઈ જાય છે. અને આમેય અહીં કોઈ પુરુષ છે ખરો કે મારે અંગ ઢાંકવું પડે?” પોતાની ઘારાં પડી ગયેલી છાતીથી સેનાનાયકને ધક્કો મારતી દ્રૌપદી ત્રાડે છે: “તમે આનાથી વધુ કરી શું શકવાના? અહીં તમારી સત્તાનો અંત આવે છે!” ને દ્રૌપદીના તાપ સામે આ સત્તાધીશ પુરુષ દયામણો લાગે છે. એની જિંદગીમાં સેનાનાયક પહેલીવાર આટલો બધો ડર્યો છે. ‘મહાભારત’ની દ્રૌપદીને ભરી સભામાં કર્ણે વેશ્યા કહી હતી. અને એને નગ્ન કરવામાં કંઈ વાંધો નથી એવું કહ્યું હતું. વસ્ત્રાહરણ કરવા મથતી પુરુષોની જમાતને આ અભણ, આદિવાસી દ્રૌપદી જડબાંતોડ જવાબ આપે છે: “આવો મારી સામે, બોલો આનાથી વધુ તમે શું કરી શકવાના?” મહાશ્વેતાદેવીની દ્રૌપદી સ્ત્રીની ઈશ્વરદત્ત નબળાઈને અતિક્રમી ગઈ છે. આ એકલી સ્ત્રી પુરુષોની સત્તાની મર્યાદાને બતાવી શકી છે. [‘અર્થાત્’ ત્રિમાસિક: ૨૦૦૪]