સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાહબુદ્દીન રાઠોડ/સ્વરો વીસરાય તે પહેલાં…

From Ekatra Wiki
Revision as of 09:17, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઑસ્ટ્રિયાના વિયેના શહેરની શેરીમાંથી બે સજ્જનો પસાર થઈ રહ્યા હતા. સાંજનો સમય હતો. શેરીના ખૂણા પરના ઘરમાંથી આવતા સંગીતના સ્વરો સાંભળી એક સજ્જનના પગ થંભી ગયા. સ્વરોમાં દર્દ ઘૂંટાઈને આવતું હતું અને સાંભળનારના હૃદયમાં કોઈ અદમ્ય ભાવો જગાવતું હતું. એ બોલ્યા, “ચાલ આપણે એ ઘરમાં જઈએ.” બંને એ ઘર તરફ વળ્યા. બારણું ખુલ્લું જ હતું. ઘરમાં પ્રવેશ કર્યો. જે જોયું તેનાથી બંને સ્તબ્ધ બની ગયા. એક કિશોર કોથળા પર બેસી મોચીકામ કરી રહ્યો હતો. મોચીકામનાં ઓજારો, ચામડાના ટુકડા અને બૂટ-સેન્ડલ બાજુમાં પડ્યાં હતાં. દુર્ગંધ પણ આવતી હતી. કિશોરનાં કપડાં ગંદાં હતાં. એણે ઊંચે જોયું. બે ખાનદાન નબીરાઓને પોતાના ઘરમાં આવેલા જોઈ ભાવવિહીન ચહેરાથી માત્ર ‘પધારો સાહેબો’ કહી સ્વાગત કર્યું. એક મેલી ચાદર પાથરી છોકરાએ કહ્યું, “બેસો શ્રીમાન, આ મારી બહેન છે, તે અંધ છે. તેનો એકમાત્ર સહારો આ વાયોલિન છે અને મારો એકમાત્ર સહારો મારી બહેન છે.” આ બાળા અંધ છે એવું જાણીને બંને સજ્જનોને બહુ દુઃખ થયું. એકે કહ્યું, “અમે પણ સંગીતમાં રસ ધરાવીએ છીએ. વાયોલિનના સ્વરો સાંભળ્યા અને અમે અમારી જાતને રોકી ન શક્યા. માફ કરજો, અમારા આગમનથી કાંઈ વિક્ષેપ થયો હોય તો!” અંધ બાળાએ કહ્યું, “આપની લાગણી માટે આભાર, મહેરબાન.” એક જ ઓરડો હતો. એ પણ ઠંડો હતો. ભોંય પર કાર્પેટ નહોતી. નહોતી ક્યાંય ફાયર પ્લેસ. ઠંડી સામે ટકી રહેવા ભાઈબહેનના દેહ પર પૂરાં વસ્ત્રો પણ નહોતાં. આખા ઓરડામાં ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. આવનાર સજ્જનોમાંથી એક સંગીતમાં ઘૂંટાતા દર્દનું કારણ તરત જ સમજી ગયા. થોડી વાતચીત થયા પછી અંધ બાળાએ પોતાનું સંગીત રજૂ કર્યું. સજ્જને કહ્યું, “વાહ, અદ્ભુત.” અને તરત જ અંધ બાળાએ વાયોલિન એ અવાજ તરફ ધરીને કહ્યું, “હવે આપ શ્રીમાન વગાડો.” એ સજ્જને વાયોલિન હાથમાં લીધું અને વેદનાના સ્વરો વાતાવરણમાં પ્રસરવા લાગ્યા. ઘેરા વિષાદની છાયામાં ચારેયનાં હૈયાં વિહ્વળ બની ઊઠયાં. દર્દના સૂરો શમ્યા એટલે અંધ બાળાએ કહ્યું, “આપ બિથોવન છો. કહો હા.” અને વાયોલિનવાદકે કહ્યું, “હા, હું બિથોવન છું.” લુડવિગ બિથોવન દુનિયાનો મહાન સંગીતકાર હતો. વર્દી, બાક, હેન્ડેલ, મોઝાર્ટ, શુબર્ટ, વાગ્નર, હાઇડન અને બિથોવન એમના જમાનાના યુરોપના મહાન સંગીતકારો હતા. લુડવિગ બિથોવનનો જન્મ જર્મનીના બોન શહેરમાં ૧૭૭૦માં થયો હતો. એની ઊંચાઈ પૂરતી નહોતી પણ બાંધો કસાયેલો હતો. કાંઈક શોધવા મથતી હોય તેવી તેજસ્વી આંખો, મોટું કપાળ, ખૂબ કાળા રંગના ઘાટા વાળ, ચહેરા પર જોવા મળતા વિદ્રોહના ભાવ. એ કદીય ખડખડાટ હસ્યો નહિ હોય, છતાં એનું સ્મિત મોહક હતું. એ અજોડ કલાકારનું સંગીત સાંભળનાર શ્રોતાઓ સ્વયંને ભૂલી જતા. બિથોવન તો સ્થળ, સમય અને સ્વયં બધું ભૂલી તેની સંગીતસાધનામાં એવો લીન બની જતો કે રંગમંચ પર માત્ર તેનું સંગીત રહેતું. સંગીતકારનું જાણે કે અસ્તિત્વ જ નહોતું રહેતું. સંગીતની આ અદ્ભુત સિદ્ધિ બિથોવને અથાગ પરિશ્રમને અંતે મેળવી હતી. બાળપણથી જ એ કારમા સંઘર્ષો સામે ઝઝૂમ્યો હતો. શાળામાં ભણવાની અને શેરીમાં રમવાની વયે તો તે ઓપેરામાં વાયોલિન વગાડવા જતો. આ બાળકલાકારની કમાણીમાંથી તેની માતા ઘરનો વ્યવહાર ચલાવતી અને તેનો શરાબી પિતા બાકીની રકમ ઝૂંટવી જતો. ઓપેરામાં વાયોલિન વગાડી મોડી રાતે બિથોવન ઘેર આવતો ત્યારે માતા એની રાહ જોતી બેસી રહેતી. બિથોવન વાયોલિન વગાડતો અને પિયાનો પણ શીખતો. એમાં એક દિવસ તેની માતાએ છેલ્લી વાર બિથોવનના માથે હાથ ફેરવ્યો. માતાના વિયોગમાં બિથોવન રોતો જ રહ્યો, રોતો જ રહ્યો. આખરે એણે વાયોલિનનું શરણ શોધ્યું. એની વેદના સંગીતમાં વ્યક્ત થવા લાગી. પિયાનોવાદક તરીકે તેની ખ્યાતિ પ્રસરતી ગઈ. એક વાર મહાન સંગીતકાર હાઇડનનો બિથોવનને મેળાપ થયો. એક શિષ્ય તરીકે હાઇડન પાસેથી લઈ શકાય એટલી તાલીમ બિથોવને લીધી. પછી પોતાની સ્વતંત્ર કેડી કંડારી. હવે વિયેનાના શાહી ઘરાનામાં, શ્રીમંત પરિવારોમાં, બિથોવનનું માનભર્યું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું. તે સાંજે બિથોવન તેના મિત્રા સાથે વિયેનામાં માત્ર લટાર મારવા નીકળેલા. એક ગરીબ ઘરમાંથી સંગીતના સ્વરો સાંભળી બંનેએ પ્રવેશ કર્યો અને અંધ બાળાના આગ્રહથી બિથોવને વાયોલિન વગાડયું. અંધ બાળા તરત જ ઓળખી ગઈ. બિથોવને પણ જણાવ્યું, “હું જ બિથોવન છું.” આ વાક્ય સાંભળતાં મોચીકામ કરતો ભાઈ ચમકી ગયો. તેણે કહ્યું, ‘બિથોવન! આપ બિથોવન છો? મારી બહેન આઠ દિવસથી મને કહે છે બિથોવનના શોની ટિકિટ લઈ આવ, અને હું તેને સમજાવું છું કે આપણી જિંદગીભરની કમાણીમાંથી પણ બિથોવનના શોની ટિકિટ ખરીદી શકાય તેમ નથી.” બિથોવને કહ્યું, “હવે શોની ટિકિટ ખરીદવાની જરૂર નથી. તમે કહેશો ત્યારે હું જ અહીં આવી વાયોલિન વગાડી જઈશ.” બિથોવનની આ કરુણા અંધ બાળાને સ્પર્શી ગઈ. એ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. તેણે કહ્યું, “હવે છેલ્લી વાર વગાડો. પછી આપને તકલીફ નહિ આપું.” એ વખતે સંધ્યાનું અંધારું ઊતરી ચૂક્યું હતું. ઓરડામાં ઝાંખો પ્રકાશ હતો. ઘરમાં દીવો કરવા માટે તેલ પણ નહોતું. અંધ બાળાની વિનંતી સાંભળી બિથોવનને કાંઈક સૂઝી આવ્યું. એ ઊભો થયો અને ઓરડાની એક બારી તેણે ખોલી નાખી. એ બારીમાંથી ચંદ્રના પ્રકાશે ઓરડામાં પ્રવેશ કર્યો અને એ પ્રકાશમાં બિથોવને વાયોલિન હાથમાં લીધું. જે સ્વરો સર્જાયા તે અદ્ભુત હતા. બિથોવનની જીવનભરની સાધના જાણે એક નવા જ સર્જન રૂપે વ્યક્ત થઈ રહી હતી. મિલન માટે કોઈ વિરહીના પ્રાણ તરફડતા હોય એવી વેદનાનો ચારેયે અનુભવ કર્યો. બિથોવને અચાનક વાયોલિન વગાડવું બંધ કર્યું. તેણે ભાઈ-બહેનની વિદાય લીધી અને મિત્રાને કહ્યું : “ઝટ ચાલ. જે રજૂઆત મારાથી અહીં થઈ છે એ સ્વરોનું કંપોઝિશન હું ઝડપથી નોંધી લેવા માગું છું. સ્વરો સ્મૃતિમાંથી વીસરાય તે પહેલાં હું એ લખી લેવા ઇચ્છું છું…” [‘લાખ રૂપિયાની વાત’ પુસ્તક : ૧૯૯૭]