અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ફરવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
— રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
(છંદોલય, પૃ. ૨૬૮)