સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/હબસીઓના ઋષિ

From Ekatra Wiki
Revision as of 12:12, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુરાણોમાં કલ્પદ્રુમની વાત આવે છે. એમાં કહેવાયું છે કે સત્યયુગમાં એવાં ઝાડ હતાં કે કોઈ પણ માણસ એ ઝાડ નીચે જઈ જે કાંઈ ઇચ્છે તે મેળવી શકતો. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા વાંચતાં એ પૌરાણિક કલ્પદ્રુમનું સ્મરણ થાય છે. અમેરિકાવાસી હબસી કાર્વરને લોકો વનસ્પતિ-વૈદ્ય તરીકે ઓળખતા. તેને વનસ્પતિમાં રહેલાં પ્રચ્છન્ન તત્ત્વોનો સાક્ષાત્કાર કરનાર ઋષિ કહી શકાય. મગફળી, કપાસ વગેરે વનસ્પતિઓમાંથી તેણે પ્રયોગો મારફત જીવનજરૂરિયાતની એટલી બધી વસ્તુઓ નિર્માણ કરી છે કે તેને આ કલિયુગનું કલ્પવૃક્ષ ગણી શકાય. મગફળી જેવી એક જ વસ્તુમાંથી પણ રંગો, દવાઓ, કપડાં આદિ અનેક વસ્તુઓ બનાવીને તેણે વ્યવહારમાં મૂકી છે. આ વિશેની કાર્વરની તપસ્યા અને સિદ્ધિ એ માનવતાના વિકાસમાં વિશ્વાસ પેદા કરાવે એવી અદ્ભુત છે. કાર્વરની જીવનકથા સાંભળતાં પદે પદે ગાંધીજી યાદ આવે છે; બંનેના જીવનમાં નાનુંમોટું એટલું બધું સામ્ય છે. સમયની કિંમત આંકનાર બંને સરખા. એક પણ મિનિટ વ્યર્થ ન જાય એવી જાગૃતિ રાખનારા. લોકો જે વસ્તુને નકામી ગણી ફેંકી દે, તેનો સમજપૂર્વક ઉપયોગ કરી એ તુચ્છ ગણાતી વસ્તુમાં પણ કેટલું મહત્ત્વ રહેલું છે તે પુરવાર કરવામાં બંને સરખા. ગરીબ-તવંગર, નાતજાત કે દેશવિદેશનો કશો ભેદ રાખ્યા વિના બધાં માનવીની નિસ્વાર્થ સેવા કરવામાં બંને સરખા. માનવ સિવાયના ઇતર પ્રાણીવર્ગ પ્રત્યે પણ બંનેની કૂણી લાગણી. કાર્વર જન્મથી જ હબસી એટલે અમેરિકન સમાજમાં હડધૂત અને તેનું કુટુંબ પણ નિરાધાર. છતાં તેણે પોતાની માનવતાનો એટલો બધો વિકાસ સાધ્યો કે તેને કોઈ પણ જાતની તક ન આપનાર મિથ્યાભિમાની ગોરા વર્ગમાં પણ તેણે ખૂબ ઊંચાં માનપાન મેળવ્યાં. બીજી બાજુ ગાંધીજી સાધનસંપન્ન કુટુંબમાં ઊછરેલા, છતાં નાતજાતની મિથ્યાભિમાની મોટાઈના મહેલમાંથી છેક નીચલે પગથિયે ઊતરીને પોતાનાં હડધૂત માનવબંધુઓ વચ્ચે રહેવાનું સંકલ્પબળ એમણે કેળવ્યું. કાર્વર સામાજિક દૃષ્ટિએ નીચેથી ઉપર ચડે છે, તો ગાંધીજી બાહ્યદૃષ્ટિએ ઊંચેથી નીચે ઊતરે છે : પરિણામે એ બંને માનવતાના ઉત્કૃષ્ટ વિકાસની સમાન કક્ષાએ જઈ બિરાજે છે. કહેવાતા આ કલિયુગની કેવી સિદ્ધિ! કાર્વરના જીવનને લગતી જુદી જુદી ચોપડીઓ વાંચ્યા પછી, પોતે જ્યાં શિક્ષિકા હતાં તે લોકશાળાના વિદ્યાર્થીઓને એ જીવનકથાનું રહસ્ય બહેન મૃદુલા મહેતાએ પાયું. એ લાંબા અનુભવને અંતે તેમણે તૈયાર કરેલા આ પુસ્તકની મોહિની એવી છે કે તે ઘેરઘેર વાંચવા ને સંઘરવા લાયક છે. ગમે તેવી હતાશ થયેલી વ્યક્તિને જીવનની તાજગી આપે એવું સત્ય તેમાં રહેલું છે. માણસ એક પ્રસંગ વાંચે ને આગળનો બીજો પ્રસંગ વાંચવા અધીરો બને, એવી આકર્ષક રીતે તેની રજૂઆત થઈ છે. વાંચનારની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધે તેની સાથે પુરુષાર્થ કરવાની અદમ્ય લાલસા પણ તેનામાં ઉદ્ભવે. આ બધું વિચારતાં એમ કહેવાનું મન થાય છે કે કાર્વરની આ જીવનકથા નાનાંમોટાં બધાંમાં વંચાતી થાય તેમ જ શાળાઓમાં પણ ભણાવાય, તો આપણી ઘરડી અને પરોપજીવી માનસ ધરાવતી પ્રજામાં જુવાની અને સ્વાવલંબી જીવનનો નાદ સ્ફુરે. [‘જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર’ પુસ્તકની પ્રસ્તાવના : ૨૦૦૧]