સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમંત દેસાઈ/તમે જ એને મળ્યા હોત તો?
તમે જ એને મળ્યા હોત તો?
નાનકડી એક વાર્તા છે.
એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.
પણ ઘેરથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.
......હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે : એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમે જ એને સામા મળ્યા હોત તો? — બોલો, એનું શું થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો!
[‘લોકજીવન’ પખવાડિક]