સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/પ્રતિભાશાળીનું ગૌરવ

From Ekatra Wiki
Revision as of 07:20, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફિલસૂફ સ્પિનોઝાએ મૌલિક ચિંતન રજૂ કર્યું. રૂઢિચુસ્ત ધર્મના સંરક્ષકો ચોંકી ઊઠ્યા, એને ધર્મમાંથી બહિષ્કૃત કર્યો. એનો કોઈ પડછાયો પણ લે નહીં, એને ક્યાંય કોઈ આશ્રય આપે નહીં. વરસાદની ઝડી એના પર તૂટી પડે, પવન એને પછાડે, એ નરકના અગ્નિમાં બળે: ધર્મ જેવો ધર્મ આવી શાપવાણી ઉચ્ચારે, આવું ઝેર ઓકે! સ્પિનોઝા શેરીમાં નીકળે તો કોઈ પશુને પથ્થર મારીને ભગાડે તેમ લોકો એને ભગાડે! આખરે નાસતાં-ભાગતાં સ્પિનોઝાએ એક કુટુંબના ઘરના કાતરિયામાં આશ્રય લીધો. પછી એણે કદી માનવસમાજ વચ્ચે પગ મૂક્યો નથી. ઉપર એને માટે સવાર-સાંજ બારણા આગળ ખાવાની થાળી મૂકી જાય. એક દિવસે એ થાળી એમ ને એમ પડી રહી. જઈને જોયું તો સ્પિનોઝા ટેબલ પર માથું મૂકીને મરણશરણ થઈ ગયેલો! ટેબલના ખાનામાંથી એણે લખેલા પુસ્તકની હસ્તપ્રત નીકળી, એ પુસ્તક તે પ્રખ્યાત ‘નીતિશાસ્ત્ર’. એણે ફિલસૂફીની દુનિયામાં હલચલ મચાવી દીધી. સમાજ, સંસ્થાઓ, ધર્મપ્રતિષ્ઠાનો આવી અનુદારતાથી જ પ્રતિભાશાળીઓ જોડે વર્તે છે. મહાકવિ હોમરને ઉત્તરાવસ્થામાં અંધ થઈ ગયા છતાં બારણે બારણે ભીખ માગવી પડી. સોક્રેટિસને ઝેર પીવું પડ્યું. સમાજ કદાચ આ સિવાય બીજી કોઈ રીતે પ્રતિભાશાળીનું ગૌરવ કરી શકતો નથી. [‘ઇતિ મે મતિ’ પુસ્તક]