સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ઝાકળ જેવા અદીઠ

From Ekatra Wiki
Revision as of 07:47, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભક્તરાજ અબુબિન આદમની કથાને અંગ્રેજ કવિએ [જેમ્સ હંટે] અમર કરી છે. ખુદાના કરતાં તેની ખલકતને ચાહનારા ને તેની ખિદમત કરવાનું વધુ પસંદ કરનારા વૈષ્ણવજન એ હતા. નંદુલાલ મહેતા એ કોટિના એક સાધુચરિત સજ્જન હતા. સુરતના એક મધ્યમવર્ગના કુટુંબમાં એમનો જન્મ. બચપણથી જ આ સુઘડ દેખાવડો બાળક ઘરમાં, નિશાળમાં, શેરીમાં પોતાના ભક્તિતત્ત્વથી સૌનું ધ્યાન ખેંચતો. એની નિયમિતતા અને વિનય એને સૌનો વહાલસોયો બનાવી દેતાં. કપડાં, પથારી કે ચાદર પર એક ડાઘ કે કરચલી ન સાંખે. કેનવાસના બૂટને હાથે બ્લેન્કો લગાડી હંમેશ ધોળા બગલા જેવા રાખે. કૉલેજનો અભ્યાસ રાબેતાની રૂએ પૂરો કર્યો. મોરારજી ગોકુળદાસ મિલમાં કામ લીધું ને જોતજોતામાં મૅનેજર નિમાયા. પચીસથી વધુ વરસ એમણે આ લાઇનમાં ગાળ્યાં ને કાપડવણાટકામના એક નિષ્ણાત તરીકે દેશ આખામાં નામના મેળવી. એ જમાનામાં મુંબઈની મિલોનાં સાંચાકામ, ઑફિસો, વખારો, બધાં ઓકારી આવે એટલાં મેલાં ને ગંદાં હતાં. તેમાં તેમણે ક્રાંતિ આણી ને આખી મિલ-આલમમાં સ્વચ્છતા ને વ્યવસ્થાનો દાખલો બેસાડયો. મજૂરવર્ગને તેમણે અંગનાં સગાં ગણીને અપનાવ્યો. મૂડીદાર માલેકોના તે સત્તાવાર પ્રતિનિધિ, છતાં મજૂરો તેમજ કારકુનો તેમને પોતાના મિત્રા ને હિતેશ્રી ગણતા, ને પોતાનાં યુનિયનોના પહેલા પ્રમુખ નીમતા. એ પોતે પણ માલેક-મજૂર વચ્ચે આંખે પાટા બાંધીને અદલ ઇન્સાફ તોળતા. સુશીલ, સંસ્કારી, કુટુંબની કન્યા જોડે લગ્ન કર્યું. પણ ટૂંક અરસામાં જ વિધુર થયા. ઉંમર તે વખતે ૩૦ની આસપાસ. ખાસ્સો એવો સામાજિક દરજ્જો, પણ ફરી લગ્નનો વિચાર કદી ન કર્યો. ઘરમાં બૂટ-પૉલિશથી માંડીને કાતર, છરી, કપડાં, છાપાં, ચોપડીઓ, ચીની ચલાણાં કે વાસણ-મિજાગરાં સાફ કરવાનાં બ્રાસો સુધી એકેએક ચીજ જાતે ગોઠવે. ખાવાપીવા, લખવા-વાંચવા, ધોવા, સૂવાની સામગ્રી કે દુખતાની દવા — કોઈ પણ ચીજ તેમને જોઈતી હોય તો ધણી-નોકર કોઈની મદદ વગર, કોશમાંથી શબ્દ કે ડિરેકટરીમાંથી ટેલિફોન નંબર જડે તેમ અરધી મિનિટમાં મળે, તેવી ઘર આખાની ગોઠવણ. એકએક કબાટ, બરણી, ખાના પર લેબલ. તેમાં દરેકનો હેતુ ને ઉપયોગ લખ્યો હોય. ટુવાલ-નેપ્કિન, બ્રશ-પાઉડર, તેલ-વેસેલિન, સોયદોરા કે સાબુ પોતપોતાને સ્થાને. અંધારે હાથ મૂકો, જોઈતું જ જડે. ગમેતેવા અઘળપઘળ માણસને પણ એ ઘરમાં પગનું ચંપલ વાંકું ઉતારીને પેસતાં જીવ ન ચાલે. એ ધરતી પર એવું કશું ન અરઘે, એ વાત દરેકના ધ્યાનમાં આવે. ગૃહિણી વગરના આ ઘરની વ્યવસ્થા દેખાડવા અનેક મિત્રો પોતાના ઘરકુટુંબની બહેનો એમને ત્યાં લઈ આવતા. ખરચખૂટણ, ટ્રિપમુસાફરી, દાનધરમ, સગાં-વહાલાં, સંસ્થાઓ કે ગરીબ વિદ્યાર્થીને મદદ — બધું બજેટબંધ. છૂટે હાથે પણ નિયમની રૂએ. ૧૦-૧૫ વરસ અગાઉ અમુક મહિનામાં દૂધ, છાપાં કે કપડાં પર અથવા સખાવતમાં કેટલું ખર્ચેલું, એ તે વરસની ડાયરી કાઢીને ટપ બતાવી આપે. એમના ઉમદા સ્વભાવ ને નિખાલસ વર્તાવની છાપ પાંચ મિનિટ પણ એમના સમાગમમાં આવનાર પર પડ્યા વિના ન રહેતી. ૫૭ વરસના એમના એકાકી જીવનની બધી બચત એમણે વસિયત કરીને સખાવતમાં આપી. એટલું જ નહીં, પણ એ બધી સખાવતોને અંગે કેવી શરત મૂકી તે માટે જુઓ આ તેમના વસિયત— નામાના અંતિમ ભાગનો સારાંશ : છેલ્લે, મારા આ વીલની અમલબજાવણી કરનારાઓને મારો ખાસ આદેશ છે કે મારા આ વીલમાં કહેલી કોઈ પણ સખાવતને અંગે લેવાની ચીજસામગ્રી, યંત્રા, મકાન કે એવી કોઈ પણ વસ્તુ સાથે ક્યાંયે કદી મારું કે મારાં મૃત કે હયાત સગાંવહાલાંમાંના કોઈનું નામ જોડવું નહીં. અગર તો તેવી તખતી ચોડવી નહીં. ઘઉં-ચણાનાં ખેતરોમાં શિયાળે પાછલી રાતે આકાશની ઝાકળ ઊતરે છે ને ઊંઘતી દુનિયાથી અદીઠ રહી પોતાની ભીનાશ વડે ધરિત્રીને ભીંજવી તેના પાકોમાં રસકસ પૂરે છે. એ ઝાકળની જેમ જ દુનિયાથી અણદીઠ રહીને નંદુભાઈ પોતાનું જીવન જીવ્યા, ને એ ઝાકળની જેમ જ પોતાની આસપાસની દુનિયાને સમૃદ્ધ કરી, કોઈને પવાલા પાણીની પણ તકલીફ આપ્યા વગર અણદીઠપણે એમણે દુનિયાની રુખસદ લીધી. કેવળ પોતાના નમ્ર નિર્વ્યાજ જીવનની સંસ્કારિતા ને સુગંધનો મઘમઘાટ પાછળ મૂકતા ગયા. [‘હરિજનબંધુ’ અઠવાડિક : ૧૯૫૪]