સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અવધૂત માટે ઉપમાઓ

From Ekatra Wiki
Revision as of 10:11, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાઠિયાવાડમાં વેલા નામના એક કોળી સંત થઈ ગયા. બાર વરસ તેમણે ગિરનાર પહાડની પ્રદક્ષિણા કરી. લોકો એમને રૂખડબાવાને નામે ઓળખતા. એની બાર વરસની ધૂણી ચાલી ત્યાં સુધી સતત ગિરનાર પર ઝળૂંબી રહેલા આ અલગારી સાધુની ભગવાનને પામવાની લગનને જોઈ કોઈ લોકકવિના કંઠમાં સ્ફુરેલો આ ઉદ્ગાર છે. એ અવધૂતને જોતાં લોકકવિના હૃદયમાં એક પછી એક ઉપમાઓ સૂઝતી જાય છે. ગિરનાર એક વિરાટ મોરલી છે: કોઈ અગમદેશના ગારુડીએ આ વિરાટ મોરલીની વાણી વહેતી મૂકી છે, અને મોરલી પર ફણા માંડીને નાગ ઝળૂંબે એમ રૂખડબાવો ગિરનાર પર ઝળૂંબી રહ્યો છે. ગિરનાર જેવા પર્વતને મોરલીરૂપે કલ્પવો, એ કેવા મોટા ગજાના કવિનું કામ હશે! જેમ નદીકાંઠે ગાળેલા વીરડામાં તાજાં પાણીની સરવાણીઓ ફૂટતી આવે, એમ આ અવધૂત માટે એક પછી એક ઉપમાઓ લોકકવિના હૃદયમાં સ્ફુરે છે. [‘ભજનયોગ’ પુસ્તક]