સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેરંબ કુલકર્ણી/પગારવધારાનો અસ્વીકાર!

From Ekatra Wiki
Revision as of 12:12, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું અહમદનગરના સીતારામ સારડા વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષક છું. ૧૯૯૪થી હું નોકરી કરું છું. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ રાજ્યના કર્મચારીઓ માટે પાંચમા પગારપંચની ભલામણો લાગુ કરી છે. આ પગારપંચે સૂચવેલું પગારધોરણ (૫૫૦૦-૭૦૦૦) મને આપવું નહીં; હું જૂના પગારધોરણ (૧૪૦૦-૨૬૦૦) અનુસાર કામ કરવા ઇચ્છું છું, એમ હું મુખ્ય મંત્રીને સોગંદનામા પર લખી આપું છું. પાંચમા પગારપંચ દ્વારા મળતા બધા પ્રકારના લાભ નકારવા પાછળની મારી ભૂમિકા આ પ્રમાણે છે: અત્યારે આપણો દેશ આર્થિક આપત્તિમાંથી પસાર થઈ રહ્યો છે. આ દેવાદાર દેશે દર વર્ષે વ્યાજપેટે અબજો રૂપિયા ચૂકવવા પડે છે. દેશની આવકની લગભગ પોણા ભાગની રકમ પગાર અને વહીવટ પાછળ ખર્ચાય છે. તેને કારણે વિકાસકાર્યો અટકી પડ્યાં છે. એટલે આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો પગારપેટે થતા ખર્ચ પર કાપ મૂકવાનું ખૂબ જરૂરી છે. પગારકપાતની શરૂઆત હું મારા પોતાનાથી કરવા ઇચ્છું છું. પગારવધારાની માગણી માટે આપવામાં આવતું મોંઘવારીનું કારણ વિચારણીય હોય તોપણ દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા કરોડો બાંધવો અતિશય ઓછી આવકમાં જીવન ગુજારતા હોય ત્યારે આપણે પોતાના બધા પ્રશ્નો આ ગરીબ બાંધવોના સંદર્ભમાં તપાસવા જોઈએ. જ્યાં માણસો ભૂખમરાનો ભોગ બનતા હોય તેવા આ દેશમાં અર્ધપેટે જીવતા લોકોની સરખામણીમાં આપણે ખૂબ સુખી જીવન વિતાવીએ છીએ; એટલે એ લોકોના ઉદ્ધાર માટે બંધુત્વની ભૂમિકાએથી આપણે પગારવધારાનો ત્યાગ કરીએ તે જરૂરી છે. દેશમાં કરોડો રૂપિયાનાં કૌભાંડો થતાં હોય, રાષ્ટ્રપતિ, ન્યાયાધીશો, ધારાસભ્યો અને મંત્રીઓ ખૂબ તગડાં ભથ્થાં મેળવતાં હોય, મોટા પ્રમાણમાં પૈસા ઉડાવવામાં આવતા હોય, ત્યારે દેશનો વિચાર માત્ર આપણે જ શા માટે કરવો?—આવો સવાલ કેટલાકના મનમાં થાય તે સ્વાભાવિક છે. પણ કોઈ પરિવારમાં પતિ દારૂડિયો હોય, સંતાનો કુમાર્ગે ચઢેલાં હોય, તો તેમાં ગૃહિણી પતિ કે સંતાનોની જેમ વર્તતી નથી. તે કરકસર કરીને પતિ અને સંતાનોને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે છે. આજે બરાબર આ જ ભૂમિકા આપણે કર્મચારીઓ લઈએ તે જરૂરી છે. તિજોરી ખાલી કરવાની સ્પર્ધામાં જો આપણે રાજકારણીઓની હારોહાર ઊભા રહીશું તો તેમની પાસેથી જવાબ માંગવાનો અધિકાર આપણે ગુમાવી બેસીશું. એટલે પગારવધારો નકારીને એ ત્યાગના નૈતિક બળે રાજકારણીઓ તેમજ ઊચા હોદ્દા ધરાવતા નોકરશાહો દ્વારા થતી પૈસાની ઉડાઉગીરી અને કાળાં નાણાં પર કાબૂ રાખવો શક્ય બનશે. આપણા દેશનો ઉચ્ચ વર્ગ દેશની સમસ્યાઓ વિશે ઉદાસીન છે અને નિમ્ન વર્ગ અસંગઠિત છે. આ પરિસ્થિતિમાં ક્રાન્તિની શરૂઆત મધ્યમવર્ગે જ કરવી રહી. રાજ્યકર્તાઓને દોષ દેવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. કરકસરની શરૂઆત અધ્યાપકો તેમ જ બૅન્કોના કર્મચારીઓએ પગારવધારો નકારીને કરવી જોઈએ. આવા નૈતિક આંદોલન દ્વારા જ મોટા પગાર લેતા સહુ લોકો સુધી કરકસર અને રાષ્ટ્રીય ભાવનાનો સંદેશ પહોંચશે, એવો મને વિશ્વાસ છે. પગારવધારો નકારવા પાછળની ભૂમિકા રજૂ કરતા સોગંદનામાની નકલ હું રાષ્ટ્રપતિ, પ્રધાનો, રાજ્યપાલ અને મુખ્ય મંત્રીને મોકલીને તે બધાને પણ પગારમાં કાપ મૂકવાની હાકલ કરું છું, અને સાથે જુદા જુદા રાજકીય પક્ષોને પણ વિનંતી કરું છું કે તેઓ તેમના પક્ષની વિચારધારામાં માનતા કર્મચારીઓને આવી હાકલ કરે. આ નિર્ણય દ્વારા હું કોઈ મોટો ત્યાગ કરી રહ્યો છું એવો મારો દાવો નથી. દેશની સમસ્યાઓની સરખામણીમાં આ અત્યંત ક્ષુલ્લક વાત છે. પણ દેશના સર્વ સરકારી કર્મચારીઓ, અધ્યાપકો અને બૅન્ક કર્મચારીઓને હું નમ્ર પ્રાર્થના કરું છું કે તે બધાંએ રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને પગારવધારાનો અસ્વીકાર કરતું સોગંદનામું રજૂ કરીને રાજ્યકર્તાઓને પણ હાકલ કરવી.

(અનુ. સંજય શ્રી. ભાવે)
[‘સાધના’ અઠવાડિક: ૧૯૯૮]