સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન
કોમવાદનો લેશ પણ સ્પર્શ જેમને થયેલો નહિ, એવા એક સાચા રાષ્ટ્રવાદી નેતા યુસુફ મહેરઅલીનું અવસાન ૨ જુલાઈ, ૧૯૫૦એ થયું હતું. મુંબઈના કોંગ્રેસ હાઉસમાંથી એમની શબયાત્રા નીકળેલી. મહેરઅલીનો જન્મ ખોજા કોમમાં થયેલો, પણ તેમના સુધારાવાદી ને રાષ્ટ્રીય વિચારોને કારણે એ જ કોમના લોકો માટે તે અળખામણા બનેલા હતા. એ અંતિમ સફરમાં કોઈ ખોજાઓ જોડાયા નહોતા અને જેમનાં ઘર આગળથી શબયાત્રા પસાર થઈ તેવાં ખોજા કુટુંબોએ બારીબારણાં પણ બંધ કરી દીધેલાં.
ખોજા કોમના વડા આગાખાનને એક વાર મળવા ગયેલા મહેરઅલીએ એમને કહેલું કે, આપ ઈશ્વરના અવતાર છો એવું હું માનતો નથી. ત્યારે આગાખાને જવાબ આપેલો કે, ભલે તમે ન માનતા હો, પરંતુ અમે તો માનીએ છીએ કે તમે ખોજા જમાતનું રત્ન છો; તમને કોઈ ચીજનો ખપ પડે, તો અમારા સેક્રેટરીને જણાવજો.
પછી બન્યું એવું કે ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડતમાં કારાવાસ ભોગવતા મહેરઅલીને ગંભીર માંદગીને કારણે વહેલા જેલ-મુક્ત કરવામાં આવ્યા. પુસ્તકોના અનહદ શોખીન મહેરઅલીએ આગખાનના સેક્રેટરીને ફોન કરીને કહ્યું કે પોતાને અમુક પુસ્તકો ખરીદવાં છે તે માટે આગાખાને અગાઉ કરેલી ઓફરનો લાભ લઈ શકાશે? સેક્રેટરીએ હા પાડી એટલે રૂ. પચીસ હજારનાં પુસ્તકોના ઓર્ડર મહેરઅલીએ મુંબઈના બે મોટા પુસ્તક-વિક્રેતાઓ તારાપોરવાલા અને ન્યુ બુક કંપની પર મોકલી આપ્યા. ભારતની વિવિધ જેલોમાંના રાજદ્વારી કેદીઓને એ પુસ્તકો મહેરઅલીએ પછી પહોંચાડેલાં.
[‘નિરીક્ષક’ પખવાડિકમાં વી. બી. ગણાત્રાની નોંધ પરથી]