સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પાછાં પગલાં

From Ekatra Wiki
Revision as of 09:27, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આપણા સમાજમાં પ્રગતિ સામે મોટામાં મોટો અવરોધ હોય તો તે જ્ઞાતિનો ડર. તેને લઈને જ અનેક સમજદાર માણસો સુધારાનું કોઈ પગલું ભરતાં અચકાય છે. ગામડાંમાં જ્ઞાતિનું વર્ચસ્વ એટલું બધું હોય છે અને સુધારો કરનારનો બહિષ્કાર કરીને તેની એટલી હેરાનગતિ કરવામાં આવે છે કે, તેને બદલે રૂઢિના જુલમ વેઠવાનું લોકો પસંદ કરે છે. આ પરિસ્થિતિમાંથી પ્રજાને બચાવવાની પહેલ વડોદરાના પ્રગતિમાન રાજવી સયાજીરાવ ગાયકવાડે કરી હતી અને પોતાના રાજ્યમાં ‘જ્ઞાતિ-ત્રાસ-નિવારણ કાયદો’ કર્યો હતો. કોઈ પણ માણસને જ્ઞાતિ કે કોમ બહાર મૂકવાના ન્યાતના મોવડીઓના અધિકાર ઉપર એ કાયદાએ પ્રતિબંધ મૂકેલો. આવો જ કાયદો ૧૯૪૯માં મુંબઈ રાજ્યે પણ ઘડેલો. પણ પાછળથી એવા પ્રગતિમાન કાયદાને ભારતની સર્વોચ્ચ અદાલતે ગેરકાનૂની ઠરાવ્યો. દાઉદી વહોરા કોમના કોઈ પણ સભ્યને કોમ બહાર મૂકવાનો અધિકાર એ જાતિના મુખ્ય ધર્મગુરુ વડા મુલ્લાંજીને છે, એમ અદાલતે ઠરાવ્યું. કોઈ પણ પગલું ગમે તેટલું પ્રગતિમાન હોય પણ મુલ્લાંજીના મત મુજબ ધર્મવિરુદ્ધ લાગે, અને એવું આચરણ કરનારને જો એ કોમ બહાર મૂકે, તો તે એની ધર્મની માન્યતા મુજબનું છે; અને આપણા બંધારણ મુજબ કોઈની પણ ધાર્મિક માન્યતાઓની આડે કાયદો આવી શકે નહીં. આ ચુકાદાથી રૂઢિગ્રસ્તોના હાથ મજબૂત બન્યા છે. જ્ઞાતિના મોવડીઓના હાથમાં આવું હથિયાર પાછું આપવાથી તો એ લોકો પોતાની ઇચ્છા મુજબ ધાર્મિક માન્યતાની વ્યાખ્યા કરી શકે. મરણ પાછળનાં ભોજન, છૂટાછેડા કે વિધવા-વિવાહનો પ્રતિબંધ, જ્ઞાતિના છેક સાંકડા વર્તુળમાં જ લગ્ન કરવાની ફરજ — એ સર્વ ધાર્મિક માન્યતાઓ ગણાય છે, અને તેની વિરુદ્ધ જનારનો હવે પાછાં જ્ઞાતિપંચો બહિષ્કાર કરી શકશે. ગામડાંમાં જ્ઞાતિ-બહિષ્કારનું શસ્ત્ર કેટલું પ્રબળ હોય છે, તેનો શહેરવાસીઓને ખ્યાલ નહીં આવે. બહિષ્કૃત થયેલા માણસનાં સંતાનોનાં લગ્ન કરવાનું અશક્ય બની જાય છે. ગામના હજામ, સુતાર, દરજી વગેરેને એનું કામ કરવાની મનાઈ ફરમાવાય છે. સૌથી વધુ ત્રાસદાયક વસ્તુ તો એ છે કે એને ત્યાં મરણ થાય ત્યારે પણ કોઈ મદદ કરવા જતું નથી, શબને હાથ લગાડવા કોઈ તૈયાર થતું નથી. હજાર વરસ પહેલાં આદિ શંકરાચાર્યને એમના વેદાંતી મતને લઈને લોકો નાસ્તિક ગણતા અને તેથી એમની માતાના મૃત્યુ વખતે શબ ઉપાડવા પણ કોઈ ગયું નહિ. જ્ઞાતિજનોને ચરણે પોતાનું સ્વમાન હણાય, તેના કરતાં એમણે મૃતદેહના કકડા કરી તેને એકે એકે સ્મશાનમાં લઈ જવાનો માર્ગ પસંદ કર્યો, એમ કહેવાય છે. પણ સામાન્ય માણસે તો જ્ઞાતિજનોના ત્રાસથી ડરીને એમની આગળ માથું નમાવવું જ રહ્યું. જે ગુરુઓ સ્ત્રી-ભક્તો સાથે વ્યભિચાર કરતા, તે એને પણ ધાર્મિક માન્યતા ગણાવતા. આની સામે ૧૮૬૦માં કરસનદાસ મૂળજીએ જેહાદ જગાડી અને એમની સામે થયેલા બદનક્ષી કેસમાં ચુકાદો આપતાં મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ કહેલું કે, “જે આચરણ નીતિ વિરુદ્ધ હોય, તે ધર્મસંમત હોઈ શકે જ નહીં.” આજે આવો કોઈ મુદ્દો ઊભો થાય, તો ગુરુઓનો આ અધમ અધિકાર ધાર્મિક ગણાઈને માન્ય રાખવામાં આવશે કે? એને માન્ય ન કરનાર બહિષ્કારને પાત્રા ગણાશે? ૧૮૬૦ પછી એક સદીએ આપણે પાછાં પગલાં ભરશું? દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અનુસાર આચરણ કરવાની સ્વતંત્રતા બંધારણે આપી છે, તેનો અર્થ આવી પીછેહઠ કરવા જેવો થતો હોય તો બંધારણના એ શબ્દોમાં ફેરફાર કરવાની તાત્કાલિક જરૂર ઊભી થાય છે. ધર્મગુરુઓને જો પોતાની ધાર્મિક ગણાતી માન્યતાઓ મુજબ વર્તવાનો અધિકાર હોય, તો જે પ્રજાજનો એવા આચારવિચારને પ્રગતિના અવરોધક ગણતા હોય તેમને પોતાની માન્યતા મુજબ વર્તવાનો અધિકાર પણ છે; અને તે માટે સહન કરવાની ફરજ બંધારણ એમને કેમ પાડી શકે?