સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા દવમાંથી બચવા
રવિશંકર મહારાજ : અહીં કોઈ દારૂ પીએ ખરું?
આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઈ નથી પીતું.
મહારાજ : ત્યારે તો સરકારે દારૂ ખૂંચવી લીધો એ સારું થયું, ખરું ને?
આદિવાસી : બહુ હારું કર્યું.
એક વૃદ્ધ આદિવાસી (વચ્ચે) : મારે માટે તો બહુ ખોટું થયું, બાપજી! આ દારૂ હતો ત્યારે વરશેદા’ડે પરૂણા પઈતા પચા રૂપિયા થતા’તા, અને આ શાલ એકલા ચામાં હોળ મણ ગોળ થયો.
મહારાજ : સોળ મણ ગોળ થયા પછી પણ પીઓ છો કે?
આદિવાસી : ના, મા’રાજ; હવે તો થાચ્યો.
મહારાજ : મહેમાન આવે તો?
આદિવાસી : પરૂણાને તો પાવો જ પડે તો!
મહારાજ : પાતાં વધે તો શું કરો?
આદિવાસી : વધે તો પી લઈએ; કંઈ ઢોળી દેવાય, મા’રાજ?
મહારાજ : સાંભળો; ઘરમાં કોઈ માંદું પડ્યું હોય તો દાક્તરને ત્યાંથી દવા લાવીએ છીએ અને તેને પાઈએ છીએ, એ દવા વધે તો આપણે પીએ છીએ?
આદિવાસી : ના, હાજો માણહ હું કામ પીએ?
મહારાજ : તેમ, ઘેર કોઈ મહેમાન આવે તે ચા પીતો હોય તો માંદો છે એમ સમજીને તેને પાવો; પણ આપણે ન પીવો. (સભા સામે જોઈ) આ ચા પીવાથી બુદ્ધિ, શક્તિ કાંઈ વધતાં હશે ખરાં?
આદિવાસી : ના, ના; વધે શાનાં? ઘટે સે.
મહારાજ : તમારા બાપદાદા ચા પીતા હતા?
આદિવાસી : ન’તા પીતા.
મહારાજ : એ તમારા જેટલું કામ કરતા હશે કે ઓછું?
આદિવાસી : અમારા કરતાં બમણુંતમણું; ઈમનાં શરીર પણ અમારાં કરતાં હારાં.
મહારાજ : તમે કહો છો ચા પીવાથી બુદ્ધિ નથી વધતી, શક્તિ નથી વધતી, ને કામ ઓછું થાય છે; ત્યારે ચા ન પીઓ તો ન ચાલે?
આદિવાસી : ચા વના તો ચાલે જ તો; રોટલા વના નાં ચાલે.
એક આદિવાસી : હેં ભઈ, જુઓ; આપણા ઘૈડિયા દારૂ પીતા’તા તાણે ચ્ચાર પૈશામાં ચાલતું; આજ ચાર ‘કોપ’ના ચાર આના થાય સે. વળી ચાર મેમાંન આઈ જ્યા, તો બીજા ચાર આના. આ ચાએ તો ઘર ઘાલ્યું. ચા તો દારૂ કરતાં ય ભૂંડો.
મહારાજ : આ બાજુ બીડીઓ આવી છે કે?
આદિવાસી : આવી સે — પણ ઓશી. ચલમ વધારે પિવાય.
મહારાજ : બીડી-ચલમ પીવાથી ભૂખ મટતી હશે?
આદિવાસી : ના, ના.
મહારાજ : ત્યારે કેમ પીઓ છો?
જુવાન : અમારા બાપદાદા પીતા’તા એટલે અમે પીએ છીએ.
મહારાજ : તમારી વાત સાચી છે. બાપ ઘરમાં મોઢામાંથી ને નાકમાંથી ધુમાડા કાઢતો હોય ત્યારે છોકરાને પીવાનું મન કેમ ન થાય? તમારાં છોકરાં પીએ એ સારું કે ન પીએ એ સારું?
આદિવાસી : ન પીએ એ હારું.
મહારાજ : આ છોકરાંનાં નસીબ તમારા હાથમાં છે; એટલે એમના ભલા માટે પણ તમે વ્યસન છોડો. વ્યસન એક વાર પેસી ગયાં, તો કાઢવાં મુશ્કેલ. માટે ચેતો. પાણીનો બંધ બાંધેલો હોય તેમાં જરાક સરખું જ કાણું પડ્યું હોય, પણ સમયસર એને પૂરી ન દઈએ તો એ મોટું થતું જાય છે — ને પછી બંધને તોડી નાખે છે અને બધાંને પૂરમાં ખેંચી જાય છે. વ્યસનોનું પણ એવું છે.
આદિવાસી : મા’રાજ! આ ચા, બીડી, દારૂ.... બધું ખરાબ હોય તો ભગવાને પેદા શું કામ કર્યું હશે?
મહારાજ : ભગવાને તો અમૃત કર્યું છે, ને ઝેર પણ કર્યું છે. પણ આપણે આપણા ભલાનું હોય તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
આદિવાસી : ત્યારે, બાપજી, આ સરકારે દારૂ કાઢયો ઈમ ચા-બીડી કાઢે તો?
મહારાજ : ભાઈ, વ્યસન કોઈનાં કાઢયાં જતાં નથી. એની તો એક જ દવા છે, ને તે સાચી સમજ. વ્યસન માત્ર ખરાબ છે, દુઃખદાયી છે એવું જેને ચોક્કસ જ્ઞાન થયું, અને તેના ફંદામાં ન પડવાનો જેણે મન સાથે પાકો નિશ્ચય કર્યો, તે બચી જાય છે. નદી કાંઠોકાંઠ ભરેલી હોય, પણ જેને તરતાં આવડતું હોય તેને બીક હોય કે?
આદિવાસી : વાત હાવ હાચી છે. તરતાં આવડે તે ઊગરી જાય.
મહારાજ : વ્યસનોનો દવ બળતો આવી રહ્યો છે. તેમાં કોઈ બચતું નથી. ભણેલાં ને અભણ, સાધુ-સંન્યાસીઓ અને દેશના નેતાઓ — બધાં એમાં ઝડપાઈ ગયાં છે. આપણે બચવું હોય તો વચ્ચે એક વીજ— ખાઈ ખોદી દ્યો; એટલે દવ આગળ વધતો અટકી જશે. તમે તમારા ને તમારાં છોકરાંના ભલા માટે ચા-બીડી-ચલમ છોડી દો.
એક ડોસો : હાંભળ્યું, માલા! આ સુધારો કરવા આયા સે બાપજી. કાંક સોડો!
માલો : વાત તો હાચી સે; પણ...પેલો રૂડિયો કે’તો’તો કે આ બીડી-ચલમ પીએ તો આપણને ને બળદયાંને બે ઘડી વિશરામ મળે, એટલે પીએ શીએ.
મહારાજ : પણ, પૈસા ખરચીને વિશરામ લઈએ તો જ વિશરામ લીધો કહેવાય? એમનેમ બે ઘડી બેસવું હોય તો ન બેસાય?
માલો : ઈમેય બેહાય તો ખરું.