સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કલાનો સદાબહાર પુરુષાર્થ

From Ekatra Wiki
Revision as of 09:31, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીસમી સદીની શરૂઆતના દસકાઓનું અમદાવાદ. સાંકડી શેરીઓ ને ડેલીબંધ પોળો, પાઘડી પહેરનારા ને ડમણિયામાં ફરતા એના નાગરિકો ટાંકાંનાં પાણી પીએ ને સાબરમતીએ કપડાં ધૂએ. આજે માનવ-કીડિયારાથી ઊભરાતા પાનકોર નાકા સામે ત્યારે એક ગરનાળું હતું, કાળુપુરમાંથી આવતાં ચોમાસાનાં પાણી કંદોઈ ઓળની દુકાનના ઊંચા ઓટલા પલાળી, પાનકોર નાકા તરફ ઊતરી, ઢાલગરવાડમાં થઈને સાબરમતીમાં ઠલવાતાં. આ બધાની વચ્ચે માત્ર થોડી મિલોનાં ભૂંગળાંએ જ માથાં કાઢ્યાં હતાં. વાહનવહેવારમાં બહુબહુ તો ઘોડાગાડી. એમાંયે સર ચીનુભાઈની ગાડી તો ગામનું એક ખાસ જોણું ગણાતી. ગામમાં ક્યાંય આગ લાગતી ત્યારે તતૂડું વાગતું ને ઘોડા જોડેલો બંબો ખદુક ખદુક ત્યાં દોડી જતો. આવું એ અમદાવાદ હતું ત્યારે, ભરૂચના દીવા ગામથી એક નમાયો બાળક અહીં મોસાળમાં મામા જયંતિલાલ નરભેરામ ઠાકોરને ત્યાં આવ્યો. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં ૧૯૦૭ની ૧૨મી માર્ચે આ અમદાવાદમાં જ એનો જન્મ થયેલો. પિતા હકુમતરાય દેસાઈને ભરૂચ તરફ એક નાની દેસાઈગીરી હતી. સરકારી કોર્ટમાં એ હેડ ક્લાર્કનું કામ કરતા. માતા હીરાબહેન અમદાવાદના કોંગ્રેસી નેતા બલવંતરાય પરમોદરાય ઠાકોરનાં ભાણેજ. એમનાં ચાર સંતાનોમાં એક તે ભાંડુઓ સાથે મામાને આશરે આવેલો કનુ આગળ જતાં પોતાની આગવી કલા વડે ગુજરાતના સીમાડા વટાવી છેક દરિયાપાર સુધી ખ્યાત બની ગયેલા કલાકાર કનુ દેસાઈ. ‘કલાકાર’ શબ્દ સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો એ અગાઉના એના બચપણમાં તો ચીતરવાનો નાદ એ ખુવારીનો માર્ગ ગણાતો. મામા તેને એ માર્ગે કેમ જવા દે! એટલે નાનો કનુ મોડી રાત્રે માકડ મારવાને બહાને બત્તી પેટાવી, મામાને ખબર ન પડે એમ સિનેમાનાં પોસ્ટર અને જાહેરખબરોનાં ચિતરામણની નકલો કરીને ચીતરવાની પોતાની ચેળ ભાંગતો ને દિવસે પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં ભણતો. એવામાં અસહકારનો યુગ મંડાયો. મામાના મામા બલવંતરાય ઠાકોર પણ એમાં અગ્રણી, એટલે સ્વાભાવિક જ કનુની ગતિ રાષ્ટ્રીય શિક્ષણ અને સંસ્કાર તરફ વળી. આ જ અરસામાં ગુજરાતમાં એક નવો પ્રભાવ પણ પાંગરી રહ્યો હતો. સામાન્ય જનસમાજમાં રાજા રવિવર્માનાં ચિત્રો દ્વારા આરંભાયેલો ચિત્રપ્રેમ લોકોનાં ઘર સુધી પહોંચવા લાગ્યો હતો. બીજી બાજુ દૂર બંગાળમાં ટાગોર કુટુંબે પ્રકટાવેલી કલાની ભારતીય સ્પર્શવાળી અસ્મિતા ગુજરાતમાં હજી પ્રકટી ન હતી, પણ એ ભાવિમાં પ્રકટાવનાર પુરોધા રવિશંકર રાવળ મુંબઈથી અમદાવાદમાં સ્થિર થવા આવ્યા હતા. કલાક્ષેત્રો એમનું સ્થાન અને એમની કલાપ્રવૃત્તિઓની ધીરી ધીરી પણ ચોક્કસ જમાવટ થવા માંડી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો કનુ કસરત કરવા ઘર નજીકના સારંગપુર અખાડામાં જાય, ત્યાં એને ખબર પડી કે રવિભાઈ, આજે રાયપુરમાં જ્યાં ‘કુમાર કાર્યાલય’ છે તેની સામેની પોળમાં, પોતાને ઘેર વિદ્યાર્થીઓને ચિત્રકામ શીખવે છે. કનુ પોતે કરેલી નકલો અને બીજાં ચિત્રો લઈ મામાથી છાનો એક સંધ્યાકાળે એમને મળ્યો. રવિભાઈએ કનુની મહેનત અને ઉત્કંઠા પારખી લીધી અને એનો ઉમંગ વધાર્યો. પછી તો કનૈયો એ ઘરના એક માણસ સમો બની ગયો. વિદ્યાપીઠના વર્ગ ભરવા ઉપરાંતનો એનો મોટા ભાગનો સમય રવિભાઈને ત્યાં જ વીતવા લાગ્યો. પોતાની સ્કેચ બુકનાં પાનાં ઊભરાવતાં ચિત્રો પર સુધારા ને સૂચનો મેળવતાં મેળવતાં એ ચિત્રકલાના અનેક પાઠ પામ્યો. તે પછી નકલોમાંથી નીકળી મૌલિકતામાં એનો હાથ ઘડાવા માંડ્યો અને ચિત્રકળામાં એનું આગવું હીર પ્રકટવા લાગ્યું. વિદ્યાપીઠોના ઉત્સવોમાં પ્રકટી ઊઠતી એની કલાની ફોરમ જોઈ આચાર્ય કૃપાલાણીએ એને શાંતિનિકેતન જઈ ત્યાં નંદલાલ બોઝ પાસે કલાની સાધના કરવા સૂચવ્યું. પણ પૈસા ક્યાં? કૃપાલાણીજીએ વિદ્યાપીઠ તરફથી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી આપી અને રવિભાઈની તાલીમ તથા આશીર્વાદના ભાથા સાથે કનુ દેસાઈ કલકત્તા ઊપડ્યા. ત્યાં ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઈ એમને હાવડા સ્ટેશનેથી પોતાને ત્યાં લઈ ગયા. પોતાના સામયિક માટે કરાવેલાં ચિત્રો દ્વારા તેઓ કનુભાઈથી પરિચિત હતા. ભારતીય કલામાં નવજાગૃતિ આણનાર કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર સાથે એમણે કનુભાઈની મુલાકાત કરાવી આપી. નંદબાબુ પણ ત્યાં હાજર હતા. કનુભાઈને એમણે આવકાર્યા. ગુરુશિષ્યનું એ પ્રથમ મિલન હતું. શાંતિનિકેતન પહોંચી કનુભાઈએ વિદ્યાપીઠમાંથી મળેલી ભલામણચિઠ્ઠી ગુરુદેવ ટાગોરને આપી અને ગાંધીજીની વિદ્યાપીઠના આ વિદ્યાર્થી ‘કન્હાઇ’ને એમણે વધાવી લીધો. બે વર્ષના ત્યાંના વાસ દરમિયાન તો ચિત્રકળા ઉપરાંત કનુભાઈએ ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંના અનેક સંસ્કાર પચાવ્યા. પ્રત્યેક વસ્તુ અને સર્જનમાં ભારતીય સ્પર્શ અને કલામયતા દાખવવાની એમની વિશિષ્ટ દૃષ્ટિ અહીં કોળી અને પાંગરી. પોતાની આકાંક્ષાઓને મુક્તપણે વિસ્તારવાની તક એમને અહીં સાંપડી અને એનો પૂરેપૂરો લાભ લઈ એમણે જીવનભાથું એકઠું કરવા માંડયું. રંગ-પીંછીઓ, કાગળ ને અન્ય આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાપીઠની શિષ્યવૃત્તિ કે ચાંપશીભાઈની અવારનવારની સહાય પૂરી પડે તેમ નહોતી; એટલે ન્યૂનતમ પરિગ્રહ સાથે એક ટંક જમવાનું ટાળીને પણ એમણે પોતાની સાધના ટકાવી રાખી સૌનો પ્રેમ પણ સંપાદિત કર્યો. અહીં ચિત્રકળા ઉપરાંત સંગીત, નૃત્ય તથા નાટક વગેરેમાં પણ એમની અભિરુચિ ને દૃષ્ટિ કેળવાયાં. આગળ જતાં એમણે એને પણ ગુજરાતમાં અજમાવ્યાં. અમદાવાદ આવીને પૂર્વશરત પ્રમાણે એમણે ત્રણ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. દરમિયાન જે શૈલીથી ‘કુમાર’ દ્વારા પ્રસિદ્ધિના ક્ષેત્રમાં પહેલી પગલી પાડી હતી તેનો પ્રથમ સંગ્રહ — ને એમનો પ્રથમ સંપુટ — ‘સત્તર છાયાચિત્રો’ ૧૯૨૯માં પ્રકટ કર્યો. કલારસિકોમાં એને ઘણો સારો આવકાર મળ્યો. બીજે જ વર્ષે ગાંધીજીએ ૧૨મી માર્ચે — જોગાનુજોગ કનુ દેસાઈના જન્મદિવસે — દાંડીયાત્રાની શરૂઆત કરી. કનુભાઈ એ યાત્રાને ચિત્રંકિત કરવા એમાં જોડાયા. પણ પોલીસે એમને પકડયા અને માર મારીને પાસે જે કંઈ હતું તે આંચકી લઈ છોડી મૂક્યા. એ ચિત્રનોંધો તો ગઈ, પણ એની સ્મૃતિ પરથી કનુભાઈએ ‘ભારત પુણ્ય— પ્રવાસ’ નામે દાંડીયાત્રનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યો. સરકારે એ પણ જપ્ત કર્યો. ૧૯૩૩માં એમણે (કર્વે કૉલેજમાં ચિત્રશિક્ષણ આપવા જતા હતા ત્યાંનાં એક વિદ્યાર્થિની) નાગર કન્યા ભદ્રાબહેન સાથે લગ્ન કર્યું. ભદ્રાબહેન પોતે પણ ચિત્રકાર હતાં, પણ લગ્ન બાદ એમણે પોતાની બધી કલાભાવના ગૃહસંસારને શોભાવવામાં પ્રયોજી દીધી. ૧૯૩૮માં કનુભાઈને એમની કલાપ્રવૃત્તિ માટે ગુજરાત સાહિત્ય સભાનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. રવિશંકર રાવળ ને નંદબાબુ સાથે હરિપુરા કાઁગ્રેસનું શોભનકાર્ય એમને પણ સોંપાયું. આ જ અરસામાં મુંબઈના પ્રકાશ પિક્ચર્સ દ્વારા રમણલાલ વ. દેસાઈની નવલકથા પરથી તૈયાર થતા ચિત્રપટ ‘પૂર્ણિમા’નું કલાનિદર્શન કરવાનું આમંત્રણ એમને મળ્યું. કનુભાઈમાં આ માટે પૂરતી સૂઝ હતી, પણ ફિલ્મ-ઉદ્યોગમાં આ કાર્યનું એ સમયે ખાસ મહત્ત્વ ન હતું. કનુભાઈએ મળેલી તક દ્વારા જે સિદ્ધ કરી બતાવ્યું તેની પ્રશંસા ગુજરાતના સીમાડા વળોટી ગઈ. પછી તો ‘ભરત-મિલાપ’, ‘રામરાજ્ય’ વગેરે અનેક ફિલ્મોમાં એમણે કલા-દિગ્દર્શન કર્યું. એમના કામથી પ્રભાવિત થઈ ભારતખ્યાત એમ. એસ. શુભલક્ષ્મીની ‘મીરા’નું કલાનિર્દેશન પણ એમને સોંપાયું અને દક્ષિણ ભારતમાં પણ કનુભાઈ વિખ્યાત થઈ ગયા. કનુભાઈએ પોતે પણ એક ફિલ્મ, ‘ગીતગોવિંદ’, બનાવી. પણ ઉદયશંકરની ફિલ્મ ‘કલ્પના’ના જે હાલ થયેલા એવા જ આ ‘ગીતગોવિંદ’ના પણ થયા. સામાન્ય જનસમાજને માટે આ બંને ચિત્રો પાછળની કલાભાવના પચાવવી-પરખવી એ સમયે મુશ્કેલ હતી. ૧૯૫૩માં દિગ્દર્શક વી. શાંતારામે પોતાના પ્રથમ રંગીન ચિત્ર ‘ઝનક ઝનક પાયલ બાજે’નું કલા-દિગ્દર્શન કનુભાઈને સોંપ્યું. રંગીન ફિલ્મ હોઈ આ એક આહ્વાન હતું — અને એક અનેરી તક પણ. એ ઝડપી લઈને ફિલ્મમાં રજૂ થતી નાનામાં નાની ચીજથી માંડી ભવ્ય સેટરચના સુધીમાં એમણે જે કલા પાથરી, તેનાથી પ્રભાવિત થઈ શાંતારામે એમનાં બીજાં ચિત્રોની કલા પણ એમને જ સોંપી. બીજી બાજુ એમનું ચિત્રસર્જન પણ ચાલુ જ રહ્યું. એમના અનેક ચિત્રસંપુટો ગુજરાતના ઘેર ઘેર પહોંચી ગયા. એમનાં ગ્રંથ-આવરણો ને કથાચિત્રોએ તો ગ્રંથજગતમાં એક અનોખું આકર્ષણ જગાડયું. રોજના બાર-ચૌદ કલાકની એમની સતત કલા પ્રવૃત્તિનો પ્રવાહ અનેક દિશામાં વહેતો રહી લોકોની કલારુચિને પોષતો રહ્યો. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું તે પછી ભાવનગરમાં કાઁગ્રેસનું અધિવેશન યોજાયું. કનુભાઈને તેમાં ‘ગુજરાત દર્શન’ રચવાનું કાર્ય સોંપાયું. માત્ર ગણતરીના જ દિવસોમાં એ મહાભારત કામ યોગ્ય માણસો વિના સંભવિત નહોતું. પણ એમની કલાના ચાહક શાંતારામે પોતાને ત્યાંના માણસો તેમને સોંપ્યા, અને કનુભાઈએ યશસ્વીપણે એ કાર્ય સુંદર રીતે પાર પાડી ફરી એક વાર પોતાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું. ‘વૈષ્ણવ જન’ કાવ્ય પર આધારિત એમણે ત્યાં રજૂ કરેલાં ચિત્રોએ દેશના અગ્રણી નેતાઓને અત્યંત પ્રભાવિત કરી દીધા. ૧૯૬૪માં ન્યુયોર્કમાં ‘નિકોલસ રોરિક મ્યૂઝિયમ’માં પોતાનાં સાઠ જેટલાં ચિત્રો પ્રદર્શિત કરવા તેઓ અમેરિકા ગયા. છ અઠવાડિયાં સુધી ચાલુ રહેલા એ પ્રદર્શને ત્યાં સાચું ‘ભારતદર્શન’ કરાવ્યું. ત્યાંથી પાછા ફરતાં તેઓ રોમ અને પારી(સ) પણ થતા આવ્યા. ૧૯૬૫માં ગુજરાત સરકારે એમનું સન્માન કર્યું. ગાંધી જન્મ શતાબ્દીની ઉજવણી સમયે કનુભાઈએ ગાંધીજીની જીવનગાથા વર્ણવતી સોળ સોળ ડબ્બાની બે આખી ટ્રેન સર્જી. આ પ્રદર્શનગાડીએ કનુભાઈની કલાશક્તિને સમગ્ર દેશમાં પ્રદર્શિત કરી. દેશ અને વિદેશના અનેક જાહેર તેમજ ખાનગી કલાસંગ્રહોમાં એમની કૃતિઓ સંઘરાઈ છે. પુસ્તકોનાં લગભગ પાંચેક હજાર કથાચિત્રો, સુશોભનો ને આવરણો, ૩૦ ચિત્રસંપુટો, ૫૫થી યે વધુ ફિલ્મનું કલાદિગ્દર્શન, લગ્નપત્રાકાઓ ને આમંત્રણપત્રો વગેરે જેવા નાનામોટા સેંકડો કલામય નમૂનાઓ વગેરેમાંના એમની કલાના અતિ વિસ્તૃત વ્યાપ વડે એમણે જનસમાજમાં જે કલાપ્રેમ પ્રકટાવ્યો છે એ એમની ગૌરવવંતી દેણગી છે. [‘કુમાર’ માસિક : ૧૯૭૬]