સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘— ત્યારે સાચું સ્વરાજ આવશે!’

From Ekatra Wiki
Revision as of 12:31, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાંડીકૂચ દરમિયાન ગાંધીજી પોતાના સ્વાતંત્ર્ય-સૈનિકો સાથે નર્મદા પાર કરીને સુરત જિલ્લામાં પ્રવેશ્યા. જિલ્લાના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. લોકોનો ઉમંગ ઊભરાતો હતો. ઓલપાડ ગામે ગાંધીજી રાતવાસો રહ્યા હતા. કેટલાંક ભજનો સાંભળીને રાત્રે મોડા સૂઈ ગયા. છતાં સવારે ત્રણ વાગ્યે ઊઠીને પોતાનું કામ કરવા લાગ્યા. એટલામાં તેમના કાને ટપટપ એવા અવાજ સંભળાયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે રાનીપરજની બહેનો સ્વાતંત્ર્ય-સૈનિકો માટે નાસ્તાના રોટલા ઘડતી હતી. છ વાગ્યે કૂચ દરમિયાન સાંભળ્યું કે સ્વાતંત્ર્ય-સૈનિકો માટે સુરતથી ટ્રકમાં દૂધ મંગાવવામાં આવ્યું અને કાંતવાનું અટકે નહીં તે માટે બારડોલીથી રેંટિયા મંગાવવામાં આવ્યા. ગાંધીજીનું મન ચગડોળે ચડ્યું. તેમને થયું : ‘આ મારી યાત્રા કેવી?’ વિચારમંથન ચાલુ હતું એટલામાં ભોજનનો સમય થયો. ગાંધીજી માટે ખાસ કાચના ગ્લાસ મંગાવેલા. સુરતથી સંતરાં, લીલી દ્રાક્ષ વગેરે ફળ મંગાવેલાં. આ બધું જોઈને ગાંધીજીની ધીરજ ખૂટવા લાગી. એરથાણથી ભટગામનો રસ્તો કાંટા, પથ્થરો અને ખાડા-ટેકરાવાળો હતો. તેથી સાથે કીટસન બત્તી રાખી હતી. બે દૂબળાઓ માથે બત્તીઓ લઈ ચાલતા. સૂકલકડી અને ચીંથરેહાલ દુબળા મુશ્કેલીથી બત્તીના ભાર ઊંચકીને ચાલતા હતા. તેમને ઝડપથી ચાલવા એક સેવક ટપારતો હતો. મહાત્માથી એ સહન ન થયું. ઉતાવળા ચાલીને આગળ થઈ ગયા. ભટગામની સભામાં તેમણે હૈયાની વરાળ ઠાલવી : “…આજે આપણે જેને વસવાયાં માનીએ છીએ તે આપણાં ભાઈ-બહેનો છે, એમ માનશું ત્યારે સાચું સ્વરાજ આવશે… રાનીપરજની બહેનો પાસે મધરાતે રોટલા શા માટે ટીપાવવા પડે? આપણે હાથે ન ટીપાય? મરવા વાંકે જીવતા દુબળાઓને માથે વજનદાર બત્તીઓ શા માટે મૂકવી જોઈએ? “આપણા ભાઈઓ પાસે આવું મુશ્કેલ કામ કેવી રીતે લેવાય? એક દિવસ તે દેશનો ઉચ્ચ અધિકારી પણ થઈ શકે. આપણો પ્રતિનિધિ પણ થઈ શકે. મારે માટે કાચનાં વાસણ, ફળફળાદિના ખોટા ખર્ચા કરીને તમે વાઇસરોયના પગારની ટીકા નહીં કરી શકો. અહીં એક લાખ અંગ્રેજો આપણું શોષણ કરે છે, તે અસહ્ય લાગે છે. તો આપણે ત્રીસ કરોડ લોકો પરસ્પર લૂંટવા માંડશું તો આપણાં હાડકાં શોધ્યાં નહીં જડે. આ સંગ્રામમાં હવેે સંખ્યાબંધ સૈનિકો જોડાશે. તેઓ સૌ આવા ખોટા ખર્ચા કરવા માંડે તો આપણી પવિત્ર લડત અભડાશે. માટે તમને સૌને ચેતવું છું. બાકી આ વેણ બોલું છું તેથી ચાલ્યો જઈશ એમ ન માનશો. પ્રતિજ્ઞા કરીને નીકળ્યો છું કે કાગડા-કૂતરાને મોત્ મરીશ, સ્વરાજની ઝંખના કરતો રઝળી-રખડીને મરીશ, પણ હવે પાછો ફરવાનો નથી…” મહાત્માની હૈયાવરાળ સાંભળીને કાર્યકરો લજવાયા. તેમની વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફાર થયો. નાસ્તા માટે સ્વયંસેવક ભાઈબહેનો વહેલાં ઊઠીને રસોઈ કરવા લાગ્યાં. મીઠુબહેન પીટીટ અને કલ્યાણજીભાઈ હાથમાં મશાલો લઈને ચાલવા લાગ્યાં. ગાંધીજીએ લીંબુ સિવાય બીજું ફળ ન લેવાનો નિર્ધાર કર્યો. રેંટિયાને બદલે કાંતવા માટે તકલીઓ આવી. સભામાં કીટસનની બત્તીઓનું સ્થાન ફાનસે લીધું. [‘વિશ્વવિહાર’ માસિક : ૨૦૦૬]