સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જાત પર પ્રયોગ

Revision as of 12:33, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિખ્યાત દંતચિકિત્સક ડો. વૅલ્સ પાસે અનેક લોકો દંતચિકિત્સા માટે આવતા હતા. એ સમયે દુખતા, હલતા કે સડી ગયેલા દાંતને કાઢવાની પદ્ધતિ યાતનાજનક હતી. ખુરશી પર બેઠેલા દર્દીને બાંધવો પડતો. આમ છતાં દાંત ખેંચતી વખતે જે પીડા થતી ત્યારે એ વેદનાથી હાથપગ પછાડે નહીં તે માટે ચાર-ચાર વ્યક્તિઓ એને પકડી રાખતી. ત્યાર બાદ ડોક્ટર તેનો દાંત પાડતા હતા. દાંત પાડવાની આ પદ્ધતિનો બીજો કોઈ વિકલ્પ નહોતો. પણ એક વાર ડો. વૅલ્સ એક જાદુગરનો પ્રયોગ જોવા ગયા અને એમણે જોયું તો આ જાદુગર નાઇટ્રસ ઓક્સાઈડ સુંઘાડીને માણસને એવો ઉત્તેજિત કરતો કે એ પાગલની માફક ભાન ભૂલીને નાચવા-કૂદવા લાગતો. એને ઘા વાગે તોપણ એના દુઃખદર્દનો ખ્યાલ આવતો નહીં. આ વાયુને લોકો ‘હસવાનો ગૅસ’ કહેતા હતા. વૅલ્સને થયું કે દાંત પાડતી વખતે જો આ વાયુ દર્દીને સૂંઘાડીએ તો એને એની વેદનાનો કશો ખ્યાલ ન આવે અને આસાનીથી દાંત પાડી શકાય. મનમાં મૌલિક વિચાર તો આવ્યો, પણ એનો પ્રયોગ કરવો કોના પર? આખી રાત વિચાર કરતા બેઠા. એમ પણ થયું કે કોઈ દર્દી પર આવો પ્રયોગ કરે અને તે જીવલેણ સાબિત થાય તો શું? એટલે એમણે નિર્ણય કર્યો કે પોતાની જાત પર જ આ પ્રયોગ કરવો. તેઓ પોતાના સાથી ડો. રિગ્ઝ પાસે પહોંચ્યા અને એ નિર્ણયની વાત કરી. ડો. વૅલ્સના બધા જ દાંત સાબૂત હતા. આમ છતાં પ્રયોગ માટે ગૅસ સૂંઘાડીને સાજો-સમો દાંત મૂળમાંથી ખેંચી કાઢવાનો હતો. પહેલાં તો ડો. રિગ્ઝે અસમર્થતા પ્રગટ કરી, પરંતુ આ પ્રયોગ સફળ થાય તો તે અનેક લોકોને ઉપકારક બની રહેશે એવું લાગતાં તેઓ તૈયાર થયા. ડો. વૅલ્સ દર્દીની ખુરશી પર બેઠા. એમને વાયુ સૂંઘાડવામાં આવ્યો. ડો. રિગ્ઝે મૂળમાંથી દાંત ખેંચી કાઢ્યો. ડો. વૅલ્સને સહેજેય પીડા થઈ નહીં. આમ ડોક્ટર વૅલ્સનો પોતાની જાત પર કરેલો પ્રયોગ સફળ થયો અને દંતચિકિત્સા માટે થયેલી આ નવી શોધ સહુને માટે આશીર્વાદરૂપ બની. [‘વિશ્વવિહાર’ માસિક : ૨૦૦૬]