વસુધા/મંગલાષ્ટક

From Ekatra Wiki
Revision as of 06:54, 8 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંગલાષ્ટક|}} <poem> બ્રહ્માંડનાં સકલ સંચલનોની આદ્યે જે પાંગર્યાં મહતની મુદઝંખનાથી, ને સ્ફૂરતાં પુરુષ ને પ્રકૃતિ બની, તે સાધી દિયે પરમ મંગલ આ પ્રસંગે. આકાશના અરુણરંજિત આંગણામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મંગલાષ્ટક

બ્રહ્માંડનાં સકલ સંચલનોની આદ્યે
જે પાંગર્યાં મહતની મુદઝંખનાથી,
ને સ્ફૂરતાં પુરુષ ને પ્રકૃતિ બની, તે
સાધી દિયે પરમ મંગલ આ પ્રસંગે.

આકાશના અરુણરંજિત આંગણામાં ૫
આવંત નિત્ય નવનૂતન વેષભૂષે,
તે નિત્યયુક્ત અનિરુદ્ધ – ઉષા પ્રતાપી
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે

વૃદ્ધિક્ષયે સતત સાથમહીં જડાયાં,
સૌજન્ય સૌમ્યગુણથી સલુણાં સુહાગી, ૧૦
એ કામ્ય ચંદ્ર, રમણું રજની મળીને
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે.

અન્યોન્ય અર્પણની રમ્યકથા રચંતાંઃ–
પૃથ્વી તણા રસવતી સરિતા સુનીરા,
ને સૌ રસતણી સમાધિ સામે સમુદ્ર
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે.

જ્યાં જ્ઞાન ને હૃદય સંગમ પામી પૂર્ણ
વેદી રચાઈ તપ ને તપની સુધાની,
હોતા મહાગુણ વસિષ્ઠ અરુન્ધતી તે
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. ૨૦

જેના થકી અવર ના ઊજળું જીવ્યું કો,
દાંપત્યની અમલ કોમલ ગીતિકા જે
અર્પી ગયાં પરમ પ્રેમળ રામસીતા
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે.

બે દેહ તે ય વિચરે બની એકદેહ,
દાંપત્યના પરમ ઐક્યતણું પ્રતીક
જેણે અજોડ રચ્યું, સારસજોડલું તે
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે.

સૃષ્ટિ મહીં સકલ જીવનકેરી લીલા
યુગ્મ તણી મિલન – વેદી પરે રચાઈ, ૩૦
ત્યાં અર્પતાં પદ, ભર્યાં મધુરી સુઆશે
સાધે સ્વયં પરમ મંગલ આજ બંને.