વસુધા/મોટર હાંકનાર

From Ekatra Wiki
Revision as of 05:32, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોટર હાંકનાર| }} <poem> લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો, બેઠો ર્હે છે કલાકના કલાકે લગ બેઠકે હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી. એના બે હાથની ની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મોટર હાંકનાર

લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી
ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો,
બેઠો ર્હે છે કલાકના કલાકે લગ બેઠકે
હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી.
એના બે હાથની નીચે દાબતાં વેંત ચાંપને
એંસી ઘોડાળી શક્તિ ત્યાં ધધણી જોરમાં ઉઠે.
અને કો રાક્ષસી કીડો બચ્ચાંને પીઠપે લઈ
પળતો હોય તેવી એ વેગેથી ધ્રોડતી ધપે.

સ્વામી કો શક્તિનો જાણે, ભુવે શું જોગણી તણો
ધુણાવી ધધડાવી શું, ઘેલી આ કાળકા રહ્યો! ૧૦
સજ્જ એ ખાખીમાં, ખાખી બાવાની યુગઆવૃત્તિ,
જમાવ્યું નવલું આસન સાધવા સિદ્ધિ રોટીની,
પિતાની આઠ ઘંટાની ડ્યૂટીને બેલ શો સદા
ખેંચી એ કાઢતો ક્યારે મસ્ત, સંત્રસ્ત ક્યાહરે.

એના ટેવાયેલા હાથ રસ્તાઓના વળાંકને
આફૂડા સાચવી લે છે, એના ટેવાયેલા પગો
નિયમે યાનનો વેગ, આંખ ટેવાયલી વળી
રસ્તાનાં યાત્રી-યાનોની માપી લે પળમાં ગતિ.

માર્ગના એક છેડેથી અન્ય છેડે જ પ્હોંચવું,
નિરાનંદ સદા એવા આંટાફેરા કર્યે જવું. ૨૦

લેશ ના એહને ચિત્તે આતુરાઈ પ્રવાસની,
ઉદ્દેશે પ્હોંચવા કેરો નથી સંતોષ હર્ષ વા.
ડામરી માર્ગની એના મુખપે શુષ્ક શ્યામતા
એકધારી ક્રિયાકેરી રીઢી કૌશલ્ય – સ્વસ્થતા.

વધારે દ્રવ્ય પ્રાપ્તિની અંતરે ગુપ્ત લાલચ
ધરી એ ઝીંકતો ર્હે છે નિરાંતે ગાડી શેઠની,
ચાટૂકિતથી રિઝાવે છે પોલિસોને – ઉતારુને
ઘેટાં શું ખડકે છે કે દબડાવે કદીક એ.
હાંકે છે નેવલે મૂકી પરવા એ પદાતિની,
રસ્તાનાં ઈંટરોડાંની ભાગ્યે એ ખેવના કરે; ૩૦

ચગદી કૂતરાં નાખે, મનુષ્યને ય ટીચતો,
અને લાપરવાહીનું ફળ એ જાણતો છતાં
એંસી ઘોડાળી એ કાળી મેલડી કેરી મસ્તી શું
મગજે ચડતી એને, છોડી સૌ ખ્યાલ ભાવિના
ઝુકાવ્યું ચગદ્યે રાખે, અકસ્માતોની અંતમાં
‘હવેલી'માં વિરાજીને પૂરાઈ કોટડીમહીં
કાંબળે ઘસતો કાયા રોટલા કરડી રહે.

બલવાન્ તોય નિષ્પ્રાણ યંત્રને સંગ એહને
કરી નિષ્પ્રાણ ર્હેતો શું ઊણો માનવ અંશથી.
ગાડીનાં ટાયરો પેઠે ઘસાતી કાય એહની ૪૦
‘બૉડી’ ના રંગની પેઠે તેજી વિલાય એહની.

યંત્રનાં અંગની પેઠે એ ય ઢીલો કેમે થતો,
ઊતર્યા યંત્ર એ એ ‘સેકન્ડ હૅન્ડ' બની જતો.
ગાડીને ટાયરો તાજા ‘બૉડી’ ને રંગ યે નવા
રહે છે મળતા, નિત્યે નવા ભાગો ય યંત્રને.

કિંતુ આ હાંકનારાનાં ઘસાયાં બૉડી ટાયરે
ભાંગેલા ભાગને ક્યારે મરમ્મત મળે નહિ.
ખેંચ્યે એ રાખતો ખાંતે ટકે કાયા જહીં લગી,
ને એ યે ઊતરી જાતો માલ સેકન્ડ હૅન્ડ થઈ.
ઊતરી ગાડીઓ પેઠે એ ય ભંગારમાં પડે, ૫૦
શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણું મળે!

એની નથી પેન્શન વાટ જોતું,
વિદાયનાં માન ન કોઈ દેતું,
કૈં કાળ અંતે નિજશક્તિ ખોતું,
આ યંત્ર કે ઉકરડે સમાતું.

અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી,
હાલ તો હાંકતો ર્હે છે પરવાનો ઉરે ધરી,
બેઠો ર્હે છે કલાકોના કલાકો લગ બેઠકે,
યંત્ર શો યંત્રને માથે ખેંચે આયુષ્ય વેઠને! ૫૯