રાણો પ્રતાપ/પાંચમો પ્રવેશ2

From Ekatra Wiki
Revision as of 12:11, 10 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક ત્રીજો''}} {{Space}}સ્થળ : અકબરનો ઓરડો. સમય : પ્રભાત. {{Right|[અકબર પાદશાહ બિછાનામાં પડ્યા પડ્યા હુક્કો ગગડાવે સામે સલીમ ઊભો છે.]}} {{Ps |અકબર : |સલીમ! માનસિંહે તારું કશું અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાંચમો પ્રવેશ

'અંક ત્રીજો


         સ્થળ : અકબરનો ઓરડો. સમય : પ્રભાત.

[અકબર પાદશાહ બિછાનામાં પડ્યા પડ્યા હુક્કો ગગડાવે સામે સલીમ ઊભો છે.]

અકબર : સલીમ! માનસિંહે તારું કશું અપમાન નથી કર્યું, એ તો મારા ફરમાન મુજબ વર્ત્યા છે.
સલીમ : આથી વિશેષ શું અપમાન કરી શકે? હું દિલ્હીશ્વરનો પુત્ર, અને એ એક સેનાપતિ માત્ર : છતાં હલદીઘાટના યુદ્ધમાં મારી આજ્ઞા વિરુદ્ધ, મને તરછોડી પોતે પોતાનાં ફરમાનો ફેલાવ્યાં — એક વાર નહિ, પણ વારંવાર.
અકબર : [વિચારપૂર્વક] હાં! પરંતુ એમાં હું તો માનસિંહનો અપરાધ નથી જોતો.
સલીમ : આપ એનો અપરાધ શાના જુઓ! એ તો આપના સાળાશ્રીના ચિરંજીવી ખરા ને! આપને પ્રતાપે જ એની ઉદ્ધતાઈ આટલી વધી ગઈ છે.
અકબર : સલીમ! જરા સંભાળીને વાત કર. બોલ, માનસિંહની શી કસૂર હતી?
સલીમ : મારી ઇચ્છા વિરુદ્ધનું વર્તન એ જ એની કસૂર.
અકબર : એ અધિકાર મેં પોતે જ એને સોંપેલો હતો. એ સેનાપતિ છે.
સલીમ : તો પછી મને યુદ્ધમાં મોકલવાનું શું પ્રયોજન હતું?
અકબર : પ્રયોજન? તને યુદ્ધમાં મોકલેલો તે એનો સહયોગી થવા ખાતર, ને યુદ્ધ શીખવા ખાતર.
સલીમ : માનસિંહનો તાબેદાર બનીને યુદ્ધ શીખવા ખાતર?
અકબર : કુમાર! કહું છું કે આ ગુમાન છોડી દે. તું આ ભારતવર્ષનો ભાવિ સમ્રાટ છે! તો શીખી લે કે શી રીતે રાજ્યો જિતાય, અને જીતીને પછી શી રીતે ચલાવાય. તું જાણે છે કે માનસિંહનો મારા પર કેટલો અહેસાન છે? આ અડધું આર્યાવર્ત, બલકે અફઘાનિસ્તાન પણ એણે જ મને જિતાડ્યું છે.
સલીમ : આપના ઉપર એનો અહેસાન હોઈ શકે, પણ મારા પર નહિ.
અકબર : કહું છું કે ઉદ્ધતાઈ છોડ. બીજા પર સત્તા ચલાવવી હોય તો સહુથી પહેલાં પોતાના ઉપર જ સત્તા ચલાવતાં શીખી લે. એમ ન સમજતો કે અંતરથી હું માનસિંહ પર ઇતબાર રાખું છું; ઊલટો હું તો એનાથી ડરું છું. એની મારફત એક વાર કાર્ય સાધી લીધા બાદ તો હું એને એક જૂના ખાસડાની માફક ફગાવી દઈશ. પરંતુ કામ સાધતાં સુધી તો માનસિંહનો માનમરતબો સાચવવો પડશે.
સલીમ : એ આપની ઇચ્છા. હું તો એ કાફરની તાબેદારી નહિ કબૂલું અને જો પાદશાહ સલામત મારા એ અપમાનનો ઈલાજ નહિ કરે તો હું અલ્લાને નામે શપથ કરું છું, કે હું પોતે જ એનો હિસાબ પતાવીશ. હું જોઈ લઈશ કે કોણ મોટો : એ કે હું?
અકબર : સલીમ! જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી શહેનશાહ હું છું — તું નહિ. કેમ? કેમ? તારી આંખોમાં વિદ્રોહના અંગારા ઝરતા જોઉં છું. ખબરદાર, જો ભવિષ્યમાં આ સલ્તનત જોઈતી હોય તો! નહિતર સમજજે કે ભવિષ્યનો શહેનશાહ તું નથી.
સલીમ : આપ પણ સમજજો કે એ નિર્ણય ફક્ત આપની આજ્ઞા ઉપર જ નથી થવાનો.

[સલીમ ચાલ્યો જાય છે.]

અકબર : [થોડીવાર ચિંતાપૂર્વક ચૂપ રહ્યા બાદ એકલો] હાય નાદાન પિતાઓ! આટલા મરી ફીટો છો, તે આવાં સંતાનો માટે? પલકવારમાં જેને ચપટીની અંદર ચોળી નાખી શકો, તેના જ ઉદ્ધત આચરણોને તમે આટલા બધા દીન બની સાંખી લો છો? ઓ ખુદા! બાપનાં હૈયાં શું આટલાં બધાં સ્નેહ-દુર્બળ બનાવ્યાં? બાપને બિચારાને આટલા ચુપચાપ બની સહન કરવાનું રહ્યું? કોણ, મહેરઉન્નિસા?

[મહેરઉન્નિસા દાખલ થાય છે.]

મહેર : હા, બાબા; એ તો હું જ.

[પાદશાને નમન કરે છે.]

અકબર : મહેર, તારા વિરુદ્ધ બહુ આકરો આરોપ મારી પાસે આવ્યો છે.
મહેર : મને લાગે છે કે સલીમે જ આપની સમક્ષ એ આરોપ રજૂ કર્યો છે. હું પોતે પણ આપના કદમે એ જ વાત ધરવા આવી છું.
અકબર : બોલ, શક્તસિંહને નસાડવામાં તારો હાથ છે કે નહિ?
મહેર : હા જી. મેં પોતે સ્વહસ્તે જ એને છોડ્યો છે.
અકબર : અને દૌલતઉન્નિસા ક્યાં?
મહેર : એની મેં શક્તસિંહ સાથે શાદી કરાવી.
અકબર : [મર્મમાં] ઉત્તમ વાત! શક્તસિંહ સાથે શહેનશાહ અકબરની ભાણેજની શાદી! વાહ વાહ! હિન્દુ વેરે મોગલના વિવાહ!
મહેર : એ તો કાંઈ નવું નથી. શહેનશાહના પિતા ખુદ હુમાયૂન જ એ ચીલો પાડી ગયા છે. ખુદ પાદશાહ સલામત પણ એ જ પંથે અનુસર્યા છે.
અકબર : અકબરે કાફરને કન્યા દીધી નથી, કાફરની કન્યા લીધી છે.
મહેર : એકની એક વાત.
અકબર : એકની એક વાત?
મહેર : હા. એકની એક. એ પણ વિવાહ, આ પણ વિવાહ.
અકબર : એ એકની એક વાત નથી, મહેર! તું હજુ બચ્ચું છે. રાજનીતિ તું શું સમજે?
મહેર : હું રાજનીતિ નથી સમજતી; ફક્ત ધર્મનીતિ સમજું છું.
અકબર : ધર્મનીતિ, મહેર? ધર્મનીતિ શું એટલી બધી સરલ છે, કે તું આટલી ઉંમરે એમાં પાર ઊતરી ગઈ? પૃથ્વીમાં આટલા આટલા ભિન્ન ધર્મો શા માટે? શા માટે વળી એની અને શાખાઓ? આટલા પંડિતો, વિદ્વાનો, મહાત્માઓ પડ્યા છે, પણ ધર્મનીતિમાં કોઈના મત મળે છે? મેં આટલી આટલી ચર્ચાઓ સાંભળી; વ્યાખ્યાઓ સાંભળી; પારસી, ખ્રિસ્તી, ઇસ્લામી અને હિંદુ પંડિતો સાથે આલોચના કરી; છતાં હું કશુંયે ન સમજ્યો અને તું એક બાલિકા એને બસ મૂઠીમાં પકડી બેઠી છે?
મહેર : શહેનશાહ! શા ખાતર આટલી બધી દલીલો, યુક્તિઓ ને ચર્ચાઓ? ધર્મ, બસ, એક છે. ઈશ્વર એક છે. નીતિયે એક જ છે. માનવી જ એને સ્વાર્થમાં, ગુમાનમાં, લાલસામાં વેરઝેરમાં બગાડી બેઠો છે. ધર્મ! આસમાનના સિતારાની સામે તો જરા નજર કરો, બાબા! દસે, દિશામાં છોળો મારતા એ દરિયાવને તો નિહાળો, પિતા! હસી રહેલી હરિયાળી આ ધરતી સામે તો જુઓ, મહારાજ! બધા પર એક જ નામ લખેલું છે. એ નામ ઈશ્વરનું. ઈન્સાને જ એને પરબ્રહ્મ, અલ્લાહ ને જિહોવા જેવાં જુદાં નામ આપીને પરસ્પરની અવગણના કરી છે, હિંસા આદરી છે, ટંટા મચાવ્યા છે! અને ઇન્સાન પણ એક જ! દુનિયાને જુદેજુદે સ્થળે જુદાંજુદાં મનુષ્યો જન્મ્યાં એથી એ જુદાં નથી. શક્તસિંહ પણ મનુષ્ય છે, દૌલત પણ મનુષ્ય છે. બેમાં તફાવત શો?
અકબર : તફાવત એ કે દૌલત મુસલમાન છે; ને શક્તસિંહ કાફર છે. તફાવત એ કે દૌલત ભારતસમ્રાટ અકબરની ભાણેજ છે; ને શક્તસિંહ એક ઘરબાર વિનાનો હડધૂત થયેલો, શેરીમાં ભટકતો કુત્તો છે.
મહેર : ના, એ પણ મેવાડનો રાજકુમાર છે.
અકબર : શક્તસિંહે જો મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હોત તો આ શાદી સામે મને બહુ વાંધો નહોતો. પરંતુ શક્તસિંહ એક વિધર્મી છે, હિન્દુ છે.
મહેર : ખબરદાર, શહેનશાહ! ભૂલશો મા કે મારી અમ્માજાન — આપનાં સામ્રાજ્ઞી — પણ હિન્દવાણી છે.
અકબર : સામ્રાજ્ઞી હિન્દવાણી હોય તેથી શું? સમ્રાટ હિન્દુ નથી, છોકરી! એ સામ્રાજ્ઞીને ને મારે શું?
મહેર : એ સામ્રાજ્ઞી આપની સ્ત્રી.
અકબર : સ્ત્રી! એવી તો મારે એકસો સ્ત્રીઓ પડી છે. સ્ત્રી તો ઉપયોગની ચીજો છે, વિલાસની સામગ્રીઓ છે, સન્માનની નહિ.

મહેર : અરે! સાચેસાચ શું શહેનશાહ અકબરના પોતાના મોંમાંથી હું આ શબ્દો સાંભળી રહી છું? સ્ત્રી વિલાસની સામગ્રી! ઉપયોગની વસ્તુ! સન્માનની નહિ? પાદશાહ શું નથી જાણતા કે ‘સ્ત્રી’ પણ એક માનવી છે, એને પણ આપની માફક હૃદય છે, અને એ હૃદયમાં પણ આપના જેવા જ ધબકારા ચાલે છે? સ્ત્રીજાત વિલાસની સામગ્રી! મારી અમ્માને મુખે જ મેં સાંભળેલું કે હિન્દુશાસ્ત્રમાં સ્ત્રીને સહધર્મિણી કહી છે, અને લખ્યું છે કે નારીજાતિની જ્યાં પૂજા થાય ત્યાં દેવો પણ ખુશ બને છે. ત્યારે આ પિતા કેવું ઊલટું બોલી રહ્યા છે! ત્યારે તો સ્ત્રી પણ કહી શકે કે સ્વામી વિલાસની સામગ્રી છે, ઉપયોગની વસ્તુ છે! પરંતુ સ્ત્રીજાત એ કદી ન બોલે, કારણ એનું દિલ દિલેર છે! એ ન બોલે, કારણ કે સ્વામીના સુખમાં જ એનું સુખ છે. પતિના ઉપર જ એની જિંદગી કુરબાન છે. હાય રે, અધમ પુરુષ જાત! તમે સહુ શું એટલા બધા નીચ, એટલા અધમ, કે સ્ત્રીજાતને અબળા સમજીને એના ઉપર આટલા અન્યાયો-અત્યાચારો કરો છો! અને લાલસાથી ભરેલી તમારી તિરસ્કારવૃત્તિથી એના અકારા જીવતરને ઔર અકારું કરી મૂકો છો! અકબર : મહેરઉન્નિસા! અકબર પોતાની દીકરીની પાસે શાસ્ત્રાર્થ કરવા તૈયાર નથી. અકબરે પોતાની છોકરી પાસેથી આવાં ઉદ્ધત વચનોની, આવી અસહ્ય હિંમતની કે આવા પિતૃદ્રોહીપણાની આશા નહોતી રાખી! તારી ને સલીમની ફરજ છે, કે કશા સવાલ-જવાબ કર્યા વિના, મારાં ફરમાન ઉઠાવ્યે જવાં, ખબરદાર, ભૂલતી ના.

[અકબર જાય છે.]

મહેર : [દૃઢ સ્વરે] શહેનશાહ! મારી ફરજ શું, તે હું જાણું છું. મારી ફરજ એ, કે જે પુરુષ મારી માતાનું અપમાન કરે, અને હાય! એક બાંદીની માફક ઉપયોગની કે વિલાસની સામગ્રી કરી માને, એ પુરુષના આશ્રયનો પરિત્યાગ કરવો! ભલે તે પછી દિલ્હીશ્વર હોય કે મારા પિતા હોય. આવો ત્યારે ઓ બહેન ગરીબી! ઓ ઉઘાડા આકાશ! ઓ કડકડતી ઠંડીના વાયરા! અને ઓ ઘોર ઉજ્જડ અટવી! આવો બધાં! આ નિરાશ્રિત મહેરને તમારા ખોળે આસન આપો! આજથી હું પાદશાહની દીકરી મટીને રસ્તે રઝળતી ભિખારણ બનું છું. એ જ બહેતર. આ અધમ રાજકુમારી થવા કરતાં તો એ જ બહેતર છે.