રાણો પ્રતાપ/બીજો પ્રવેશ4

From Ekatra Wiki
Revision as of 08:03, 11 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીજો પ્રવેશ

'અંક પાંચમો


સ્થળ : ફિનશરાના કિલ્લાની અંદર. સમય : પ્રભાત.

[શસ્ત્રધારી શક્તસિંહ એકલો ફરે છે.]

શક્ત : બસ, હત્યા! હત્યા! હત્યા! બીજી વાત નહિ! આ જગત એક કસાઈખાનું જ છે. ધરતીકંપથી, જળપ્રલયથી, બીમારીથી, ને બુઢ્ઢાપણથી, બસ, જગતભરમાં કેટલી હત્યા ચાલી રહી છે! તે ઉપરાંત વળી, આપણે બધા એટલી હત્યાથી ન ધરાયા તે યુદ્ધ, ખૂનામરકી, લાલસા ને ક્રોધ વડે આ વિશ્વપ્લાવી રક્તપૂરના પ્રચંડ પ્રવાહને ઑર પ્રબળ બનાવીએ છીએ. પાપ? આપણે હત્યા કરીએ તે પાપ, અને ઈશ્વરની આ ભીષણ જલ્લાદગીરી એ કાંઈ નહિ? વળી, સમાજની અંદર માણસ માણસને કાપી નાખે એનું નામ હત્યા : યુદ્ધમાં હત્યા થાય એનું નામ વીરત્વ! વાહ! મનુષ્ય પણ કેવી ફાંકડી ધર્મનીતિ રચી બેઠો છે! [દૂર તોપ ગર્જે છે.] લ્યો, વળી શરૂ થઈ આ હત્યા! ઓ પડ્યો મૉતનો સાદ! ઓ ફરીવાર!

[આકુળવ્યાકુળ કિલ્લેદાર આવે છે.]

શક્ત : શા સમાચાર?
કિલ્લેદાર : પ્રભુ! કિલ્લાની પૂર્વ દિશાની દીવાલ તોડી નાખી; હવે ઇલાજ નથી.
શક્ત : કિલ્લો ઘેરાયાના ખબર રાણાજીને મોકલેલા તેનો કાંઈ જવાબ?
કિલ્લેદાર : ના.
શક્ત : ત્યારે સજ્જ કરો સૈન્યને! બસ, જૌહર કરીએ!

[કિલ્લેદાર જાય છે.]

શક્ત : મહોબતખાં યુદ્ધનો ખેલાડી ખરો! કિલ્લાની પૂર્વ દિશાની દીવાલ, જે સૌથી મજબૂત, એની જ ખબર લીધી! કુછ પરવા નહીં! મૉતના તેડાની તો ક્યારનોયે વાટ જોઈને બેઠો છું. પણ સલીમ! બદલો લેવો રહી ગયો.

[છૂટા કેશવાળી અસ્તવ્યસ્ત વસ્ત્રવાળી દૌલતઉન્નિસા દાખલ થાય છે.]

શક્ત : કોણ, દૌલત? અત્યારે આંહીં કેમ?
દૌલત : આટલા વહેલા વહેલા ક્યાં ચાલ્યા?
શક્ત : મરવા! બસ, જવાબ મળી ગયો ને? તો જાઓ હવે અંદર! અરે; થંભી કાં ગઈ? સમજાયું નહિ? સાંભળ ફરી વાર, બરાબર સમજાવું. પહેલી વાત : જાણે મોગલસૈન્યે હલ્લો કર્યો છે, તે તો જાણે છે ને?
દૌલત : જાણું છું.
શક્ત : બહુ સારું! હવે એ બધા લગભગ કિલ્લા જીતવાની અણી પર છે. બીજી વાત : રજપૂત જાતિની પ્રથા એવી છે કે કિલ્લો દુશ્મનને હાથ દેતાં પહેલાં પોતાના પ્રાણ દઈ દેવા. એટલે અમે હવે લશ્કર લઈ, બહાર જઈ, યુદ્ધ કરી મરવાના. [તોપ ગર્જે છે.] જો, સાંભળ્યું કે? હવે રસ્તો છોડ, જવા દે.
દૌલત : ઊભા રહો, હું પણ આવું છું.
શક્ત : તું આવે છે! યુદ્ધક્ષેત્રમાં! ઓ દૌલત! યુદ્ધક્ષેત્ર કાંઈ પ્રેમી યુગલને પોઢવાની પથારી નથી, હો! એ તો છે મૉતને ખેલવાનુ મેદાન!
દૌલત : મને પણ મરતાં આવડે છે, મારા વહાલા!
શક્ત : એમ તો દિવસમાં દસ વાર મરો છો! પણ આ મૉત એવું સહેલું નથી. આ મરવું એ માનિની સ્ત્રીના અશ્રુપાત સમું નથી. આ મૉત તો છે કઠોર! ટાઢું બોળ! અચલ!
દૌલત : એ જાણું છું, પરંતુ હું મોગલની બેટી છું. મૉતથી ડરતી નથી. અમે મેદાનેજંગનાં છેક અજાણ્યાં નથી. મારે આવવું જ છે.
શક્ત : [વિસ્મય સાથે એની સામે થોડીવાર જોઈ રહે છે] કેમ? એકાએક મરવાની આટલી બધી ઇચ્છા ક્યાંથી થઈ ગઈ? હજુ તો ફૂટતી જુવાની છે, થોડા રોજ જિંદગી માણી લે ને?

[દૌલતનું મુખમંડળ લાલ બની જાય છે.]

શક્ત : સમજાયો — એ દૃષ્ટિપાતનો મર્મ સમજાઈ ગયો. તું એમ કહેવા માગે છે કે ‘કેટલી તમારી નિષ્ઠુરતા! અને તમને હું કેટલા બધા ચાહું છું!’ વાત ખરી, દૌલત! પણ તો પછી શક્તસિંહ કરતાં બીજા અચ્છા મરદો દુનિયા પર ક્યાં ઓછા છે?
દૌલત : [શક્તસિંહની તરફ ડોક ઢાળી ઊભી રહે છે. પછી કહે છે.] પ્રભુ! પુરુષની પ્રીતિ કેવી હોય તે તો મને નથી માલૂમ. પરંતુ સ્ત્રી તો જીવનમાં એક જ વાર પ્યાર કરી જાણે છે. પુરુષનો પ્રેમ દેહની લાલસા પૂરતો જ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓની તો નસેનસમાં ભરેલો એ ધર્મ છે. બિચારી તરછોડાય, દૂર ઠેલાય, નિરાશ થાય, છતાં એનો પ્રેમ તો ધ્રુવના તારા સમો અવિચળ જ રહે.
શક્ત : આ તો ભગવદ્ગીતાની પરડ આદરી! બહુ સારું. લે! જો એમ જ હોય તો થા તૈયાર. મરવાની હિંમત હોય તો ચાલ સાથે. બોલ, કયા સાજ સજીને મરવાનું મન છે?

[દૂર તોપ ગગડે છે.]

દૌલત : શૂરવીરનો સાજ સજીને! તમારી પડખે યુદ્ધ કરતી કરતી મરીશ.
શક્ત : [લગાર હસીને] જીભના યુદ્ધ ઉપરાંત બીજું એકેય યુદ્ધ આવડે છે, દૌલત?
દૌલત : યુદ્ધ કદી કર્યું તો નથી, પણ તરવાર ધરતાં મને આવડે છે. હું મોગલની બેટી છું.
શક્ત : વાહ વાહ! પધારો ત્યારે, ચામડાનું બખ્તર પહેરી આવો! પણ યાદ રાખજે, દૌલત! કે તોપોના ગોળા આવીને આશકની માફક ચુંબન નથી કરતા, હો! જાઓ, શૂરવીરનો સાજ સજી આવો.

[દૌલત જાય છે. જ્યાં સુધી એ દેખાતી બંધ ન પડી ત્યાં સુધી શક્તસિંહ એની સામે જોઈ રહે છે.]

શક્ત : ખરેખર શું આ મારી સાથે મરવા આવે છે? સાચેસાચ શું સ્ત્રીજાતિનો પ્રેમ કેવળ વિલાસ નથી? કેવળ સંભોગ નથી? આણે પણ એક નવું ધાંધલ મચાવ્યું!

[કિલ્લેદાર આવે છે.]

શક્ત : કેમ? સૈન્ય તૈયાર છે?
કિલ્લેદાર : હા, મહારાજ.
શક્ત : ચાલો ત્યારે.

[બન્ને બહાર જાય છે.]


દૃશ્યાન્તર

         સ્થળ : ફિનશરાના કિલ્લાની દીવાલ. સમય : પ્રભાત.

[દીવાલ ઉપર શક્તસિંહ અને બખતરધારી દૌલત ઊભાં છે.]

શક્ત : [આંગળી ચીંધાડીને] જોયું પેલું દુશ્મનોનું લશ્કર? આપણે એનો વ્યૂહ ભેદવાનો છે. બની શકશે કે?
દૌલત : બની શકશે.
શક્ત : ચાલો ત્યારે ઘોડા તૈયાર છે. આ યુદ્ધમાં મૉત તો નક્કી જ છે, એ જાણે છે કે?
દૌલત : જાણું છું.
શક્ત : ચાલો ત્યારે. કાં? વાર કાં લગાડ? ભય લાગે છે?
દૌલત : ભય? તમારે પડખે ઊભી છું, અને ભય? તમને મૉતના મોઢામાં જોઈ રહી છું, છતાં ભય? આટલા દિવસ તો મારા પર વહાલ આણ્યું નહિ; પણ મને આશા હતી કે કદાચ એક દિવસ કદાચ સ્નેહ-ગદ્ગદ સ્વરે મને ‘મારી દૌલત’ કહીને બોલાવશો. એ આશાએ તો આ જિંદગી ટકાવી રાખેલી, એ આશાની પણ આજે તો કબર ખોદાવા લાગી છે, છતાં ભય?
શક્ત : વાહ વાહ! ચાલો ત્યારે.
દૌલત : ચાલો ત્યારે. [એટલું બોલીને શક્તસિંહના બે હાથ ઝાલી બરાબર એની સન્મુખ ઊભી રહે છે.]
શક્ત : કેમ વળી?
દૌલત : વહાલા, આજ મરવા ચાલ્યાં છીએ. મરતાં પહેલાં, આ શત્રુ સૈન્યની સામે, આ વિરાટ કોલાહલની વચ્ચે, જીવન-મરણના આ મિલનસ્થાને, મરતાં પહેલાં એક વાર બોલો કે ‘ચાહું છું’.

[નેપથ્યમાં યુદ્ધનો શોરબકોર વધુ પ્રબળ બને છે.]

શક્ત : દૌલત! પહેલેથી જ મેં નહોતું કહ્યું કે રણમેદાન એ પ્રેમીની પથારી નથી?
દૌલત : જાણું છું, નાથ! છતાં અભાગિની દૌલતની એક જ — એક છેલ્લી જ — માગણી સ્વીકારો. મારા પ્રિયજન, વિલાસ, મોજશોખ, તમામને છોડી હું તમારે આશરે આવી. અત્યાર સુધી એક વાર, બસ આ એક જ ઉચ્ચાર સાંભળવાની ઝંખના હતી, પણ ન સંભળાયો, આજ મરતાં પહેલા આ ઝંખના મિટાવો. બોલો, બે હાથ પકડીને બોલો કે ‘ચાહું છું’.
શક્ત : અત્યારે એનો સમય છે?
દૌલત : અત્યારે જ સમય છે! જુઓ તો! સૂર્ય ઊગે છે. [તોપ ગર્જે છે.] સાંભળો તો! આ મૃત્યુની ઘોર ગર્જના થાય છે. વાહ, કેવો સુંદર સમય! પછવાડે જીવન અને સન્મુખે મરણ! હવે એક વાર બોલો : ‘ચાહું છું’. જે વાત કદીયે બોલ્યા નથી, જે સુધાપાન કદીયે કરાવ્યું નથી, જે ઉદ્ગાર સાંભળવા માટે ભૂખીતરસી આટલા દિવસ નિષ્ફળ આશા રાખી બેઠી હતી એ ઉદ્ગાર, બસ; એક વાર કાઢો. મરતા પહેલાં એક વાર બોલો કે ‘ચાહું છું’. પછી હું સુખેથી મરી જઈશ.
શક્ત : દૌલત! આ શું? મારી આંખોમાં આંસુ કાં આવે? દૌલત! ના, નહિ બોલી શકાય.
દૌલત : બોલો; [શક્તસિંહના ચરણ ઝાલે છે.] બોલો, એક વાર બોલો.
શક્ત : વિશ્વાસ આવશે? આજ —

[શક્તસિંહનું ગળું આંસુથી રુંધાય છે.]

દૌલત : વિશ્વાસ! તમારા પર વિશ્વાસ નહિ? જેને ચરણે આખું જીવતર ધરી દીધું તેના પર હવે વિશ્વાસ નહિ? કદાચ તમે જૂઠું બોલો તોયે શું? ન તો હું સવાલ કરીશ, ન શંકા ઉઠાવીશ, ન શબ્દો તોળવા બેસીશ. જિંદગીભર જે ન કર્યું તે શું આજે, કાળની સામે કરવા બેસીશ? અને જો પૂછો કે મેં શા માટે એ ઉચ્ચાર સાંભળવાની આટલી ઇચ્છા કરી, તો એનો ઉત્તર એક : કે હું સ્ત્રી છું. સ્ત્રીના જીવતરની આ એક જ ઇચ્છા! એ ઇચ્છા જીવતરમાં પૂરી ન થઈ, તો આજે મરતાં મરતાં એક વાર એ સાંભળીને મરીશ — સુખથી મરીશ. બોલો —
શક્ત : દૌલત! તું શું આટલી બધી સુંદર! તારે મુખે કેવું આ સ્વર્ગીય જ્યોતિ! તારા અવાજમાં કેવો આ મધુર ઝંકાર! આટલા દિવસે મેં એ કેમ ન જોયું? હું મૂર્ખ! હું અંધ! અરે હું સ્વાર્થી! જગત આખાને આટલા દિવસ સ્વાર્થમય જ જોતો રહ્યો તેમાં આ તો કદીયે નહોતું ધાર્યું. દૌલત! આ દૌલત! તેં આ શું કર્યું? મારા જીવનમાં વ્યાપેલા ધર્મને, મારી નસેનસમાં પેસી ગયેલી માન્યતાને, મારા ધર્મની અંદર ઠસેલા વિશ્વાસને — બધાંને તેં તો ભાંગીને ચૂરા કર્યા. પરંતુ આટલું બધું મોડું?
દૌલત : બોલો કે ‘ચાહું છું!’ ઓ, જુઓ રણશિંગાં વાગ્યાં! હવે મોડું ન કરો. બોલો નાથ. [ફરી પગ પકડે છે.] એક વાર એક વાર —
શક્ત : હાં, દૌલત? ચાહું છું, સાચેસાચ ચાહું છું. પ્રાણ ખોલીને ચાહું છું. આટલા દિવસ મારા પ્રાણને દરવાજે કોણે એ શિલા ચાંપી રાખેલી? આજે એ શિલા તેં ખસેડી નાખી! દૌલત પ્રાણેશ્વરી! અરે! મારા મોઢામાં આજ આવા ઉચ્ચાર! આજ તો બાંધી રાખેલો જળધોધ છૂટ્યો છે, હવે એ રોક્યો રોકાતો નથી. દૌલત! તને ચાહું છું, કેટલી બધી ચાહું છું તે બતાવવાનો અવસર તો હવે મળવાનો નથી, દૌલત! આજ તો મરવા ચાલ્યાં! રે! પ્યારનો આંહીં જ આરંભ, ને આંહીં જ શું અંત!
દૌલત : ત્યારે હવે એક ચુંબન આપો — છેલ્લું ચુંબન —
શક્ત : [દૌલતને છાતીએ ચાંપીને ચુંબન કરે છે. પછી ગદ્ગદ સ્વરે કહે છે] દૌલતઉન્નિસા!
દૌલત : હવે બસ! આ અતિ મધુર મુહૂર્ત છે! અતિ મધુર સ્વપ્ન! મરતાં પહેલાં એ તૂટી ન પડે — માટે ચાલો, યુદ્ધના તરંગોમાં ઝંપલાવીએ.
શક્ત : ચાલો, ઘોડો તૈયાર છે.

[બન્ને ત્યાંથી નીચે ઊતરે છે. નેપથ્યમાં યુદ્ધનો કોલાહલ થાય છે. દીવાલ નીચે કિલ્લેદાર આવે છે.]

કિલ્લેદાર : યુદ્ધ જામ્યું છે, પરંતુ જીવવાની આશા નથી, એક બાજુ દસ હજાર મોગલો, અને બીજી બાજુ ફક્ત એક હજાર રજપૂતો! ઓહ! કેવી ભીષણ ગર્જના! કેવો ઘોર શોરબકોર!

[નેપથ્યમાં]

જય! રાણાજીનો જય!
કિલ્લેદાર : [ચમકીને] આ શું?

[નેપથ્યમાં]


જય! રાણાજીનો જય!

કિલ્લેદાર : બસ! હવે બીક નથી. રાણાજી સૈન્ય લઈને કિલ્લાને બચાવવા પહોંચી ગયા. હવે ફિકર નહિ.

[જાય છે.]