ખારાં ઝરણ/મૃત્યુ
હાથ એ લંબાવશે તો શું થશે?
ના કહ્યે ધમકાવશે તો શું થશે?
બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં,
દ્વાર એ ખખડાવશે તો શું થશે?
હું નહીં ખોલી શકું કોઈ રીતે,
એને ઓછું આવશે, તો શું થશે?
ખુલ્લી બારીમાંથી કરશે હાથ એ,
ને તને બોલાવશે તો શું થશે?
હું ઘણો વખણાઉં છું આતિથ્યમાં,
ધૃષ્ટ એ લેખાવશે તો શું થશે?
આંખ મીંચાતી વખતનું સ્વપ્ન આ,
પાંપણો ભીંજાવશે તો શું થશે?
શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?
૨૬-૫-૨૦૦૭
==
આભ અનરાધાર, નક્કી,
મેઘ ઠંડોગાર, નક્કી.
શ્વાસની સરતી જમીને,
સ્પર્શના સંચાર, નક્કી.
કોઈનો ક્યારે ભરોસો?
સર્વના વહેવાર નક્કી.
આજ વરસે, કાલ વરસે,
છે બધા અણસાર નક્કી.
છોડ ખોટા તાયફાઓ,
મોત છે ખૂંખાર, નક્કી.
૪-૫-૨૦૦૮
=
કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા,
એ બધાના આદી બંદા થૈ ગયા.
તું નથી એવી પ્રતીતિ થૈ ગઈ,
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા.
ખૂબ જાણીતા થયા આગંતુકો,
મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા.
મેં લુંછેલાં આંસું સાચકલાં હશે,
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા.
૫-૫-૨૦૦૮
==
બારી ખોલી આભ ! નીચે આવને,
સાંકડું બનતું જગત અટકાવને.
સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી?
પુષ્પ સૌ નિર્બંધ બનતાં જાવને.
હું તને શોધી વળ્યો મનમાં બધે,
બહાર છે? તો પાછી ઘરમાં આવને.
જો થયું અંધારું, દેખાતું નથી?
એક દીવો લેખીને પેટાવને.
જીવવાની લત ઘણી મોંઘી પડે,
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને.
૨૫-૭-૨૦૦૮
=
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા?
ભાષાને મર્યાદા કેવી?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮
=
હે નમાયા શ્વાસ! પૂછી લે તરત,
જીવવાની શી શી રાખી છે શરત.
દેહ જો ના હોત તારું થાત શું?
જીવ, મારા જીવ, ક્યાં ફરતો ફરત?
હુંય સમજું છું મરણ વિચ્છેદ છે,
હુંય મારી બાદબાકી ના કરત.
પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત?
સાંજના અંધારથી શું બ્હી ગયો?
રાતનું આકાશ તારાથી ભરત.
૧-૭-૨૦૦૮